યોગ દિવસ પર બિહારમાં NDAમાં તિરાડ, જદયુએ કાર્યક્રમથી અંતર જાળવ્યું

(એજન્સી) પટના, તા. ૨૧
ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાયો હતો જ્યારે બિહારના મુખ્યમંત્રી અને રાજ્યમાં ભાજપના સહયોગી નીતિશ કુમારે પોતાને આ કાર્યક્રમથી દૂર રાખ્યા હતા. એટલું જ નહીં બિહારમાં યોગ દિવસ પર સ્પષ્ટ રીતે સરકારમાં તિરાડ દેખાઇ હતી. રાજધાની પટનાના પાટલીપુત્ર સ્ટેડિયમમાં રાખવામાં આવેલા યોગ કાર્યક્રમમાં જદયુના કોઇ નેતા તથા મંત્રી સામેલ નહોતા. આ પહેલા ભાજપના નેતાઓ લોકોને આ દિવસે સાથે મળીને યોગ કરવાની અપીલ કરી રહ્યા હતા. ભાજપના નેતા નંદકિશોર યાદવે કહ્યું હતું કે, તમામે યોગ કરવા જોઇએ અને પીએમ મોદીએ તેને લોકો સુધી પહોંચાડ્યું છે આમાં તમામ લોકોના સાથે આવવાની જરૂર છે. જદયુ દ્વારા યોગ દિવસ પર ભાગ ન લેવા અંગે ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ જણાવ્યું હતું કે, અહીં જદયુના હોવા અંગે કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, હું અહીં એક ડઝન એવા લોકોને જાણું છું જેઓ જદયુમાં સામેલ છે. શું રાજદ અને જદયુ સાથે જોડાયેલા લોકો યોગ નથી કરતા ? એ જરૂરી નથી કે દરેક અહીં આવીને જ યોગ કરે. ઉલ્લેખનીય છે કે, એવું પહેલીવાર બન્યું નથી કે, જદયુએ યોગ દિવસ પર પોતાને અલગ રાખ્યું હોય તેણે ગત વર્ષે પણ તેનાથી અંતર જાળવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી તે આ કાર્યક્રમમાં ભાગ લેતા નથી. જોકે, આ વખથે જદયુ ભાજપ સાથે સરકારમાં છે. તેમ છતાં જદયુએ આ કાર્યક્રમમાં ભાજપનો સાથ આપ્યો નથી. આ અંગે જદયુના પ્રદેશ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણે કહ્યું કે, યોગ ઘરની અંદર પણ કરી શકાય છે અને તેને કોઇના ભાગ લેવા સાથે જોડી ન શકાય. યોગ ભારતની સંસ્કૃતિનો ભાગ છે અને વડાપ્રધાન મોદીની અપીલની પ્રશંસા થવી જોઇએ. તેને આજ દિવસે કરવામાં આવે તે જરૂરી નથી કોઇપણ દિવસે કરી શકાય છે. જદયુના પ્રવક્તા નીરજ કુમારે કહ્યુ કે, યોગ કોઇ દેખાડો કરવાની બાબત નથી અને હું તથા અમારા નેતાઓ અને મુખ્યમંત્રી નીતિશકુમાર દરરોજ ઘરે યોગ કરે જ છે. આ લોકોની પસંદગીની બાબત છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહા અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને પણ હાજીપુરમાં આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બંનેએ એક સાથે બેસીને યોગ કર્યા હતા. આ બંને પાર્ટીઓ વચ્ચે ખેંચતાણ ઉભી થયા બાદ જ કોંગ્રેસે નીતિશકુમારને મહાગઠબંધનમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું.જોકે, તમામ અટકળોને સમાપ્ત કરતા નીતિશકુમારે પટનામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, કેટલાક લોકોને ગઠબંધનથી તકલીફ છે, અમારૂં કામ લોકોની સેવા કરવાનું છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, અપરાધ, સાંપ્રદાયિકતા અને ભ્રષ્ટાચાર સાથે કોઇ સમાધાન કરવામાં નહીં આવે.

મિઝોરમ સરકારે યોગ દિવસ ના મનાવ્યો, મંત્રીઓને ખબર જ નથી

એક તરફ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરાઇ જ્યારે મિઝોરમમાં નેતાઓ અને મંત્રીઓ યોગ દિવસથી અળગા રહ્યા હતા. અહેવાલો અનુસાર મુખ્યમંત્રી લલ થનહલવા અને તેમના કેબિનેટમંત્રી યોગ દિવસ મનાવી રહ્યા નથી. એટલે સુધી કે ઘણા લોકોને યોગ દિવસ અંગે જાણકારી જ નથી. ઉલ્લેખનીય છે કે, અહીં ઇસાઇ સમાજના લોકો તેને વિરોધી કહીને બહિષ્કાર કરી રહ્યા છે. રાજ્યના યુવા તથા ખેલમંત્રી જોડિંગતલુઆંગાએ કહ્યું કે, મને યોગ દિવસ અંગે કોઇ જાણકારી નથી, હું અત્યારે મારા વિસ્તારમાં પૂરગ્રસ્ત લોકોની મુશ્કેલીઓ ઉકેલવામાં વ્યસ્ત છું. મિઝોરમમાં હાલ કોંગ્રેસની સરકાર છે અને અહીં ઇસાઇ સમુદાયની વસ્તી વધુ હોવાથી તેઓ યોગને હિન્દુ દર્શનનો ભાગ ગણાવી વિરોધ કરી રહ્યા છે. રાજ્યમાં ભાજપના અધ્યક્ષ જેવી હલુનાએ કહ્યું કે, મુખ્યમંત્રીને એવું લાગે છે કે, કેન્દ્ર જે કરે તેનાથી ઉલ્ટું કરવું જોઇએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks