(એજન્સી) તા.૨૧
બિહારમાં જનતાદળ-યુ અને રાષ્ટ્રીય જનતાદળ વચ્ચે હાલ યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવતાં દિલ્હીમાં વિરોધ પક્ષની છાવણીને રાહત થઇ છે. વિરોધ પક્ષને એવી ચિંતા હતી કે તેમના સંઘર્ષથી નરેન્દ્ર મોદી સરકાર સામે સંસદની અંદર અને બહાર સંગઠિત પ્રહારો કરવાના તેના પ્રયાસને ફટકો પડશે.
સમાન વિચારસરણી ધરાવતા ૧૮ પક્ષો સાથે સંગઠિત થનાર વિરોધ પક્ષની છાવણીનો હેતુ ૨૦૧૯ની લોકસભાની ચંૂટણીમાં મોદી સરકારને પડકારવાનો છે અને તેમને આશા છે કે પટણામાં બે દિવસમાં જે સફળતા મળી છે તે જદયુ અને રાજદ વચ્ચે મડાગાંઠનો અંત લાવશે.
વિરોધ પક્ષને હવે એક વાતની ખાતરી થઇ ચૂકી છે કે ભાજપના વડપણ હેઠળની એનડીએ સરકારને દેશમાં કૃષિ કટોકટીના મુદ્દે ઘેરવાની સારી તક છે. ભાજપ શાસિત મ.પ્ર. અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં તાજેતરમાં ખેડૂતો દ્વારા ઉગ્ર હિંસક વિવાદ જોવા મળ્યો હતો. રવિવારે કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં તેલંગાણા અને આંધ્રપદેશના સાસંદોએ વડાપ્રધાનને પોતાના રાજ્યોમાં ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવી રહેલી સમસ્યાઓથી વાકેફ કર્યા હતા. બુધવારે આ મુદ્દાની લોકસભામાં ચર્ચા કરવામાં આવી હતી.
વિરોધ પક્ષ હવે આ મુદ્દાઓને જીવંત રાખવા પાયાના સ્તરે પ્રયાસો હાથ ધરવા માગે છે. વાસ્તવમાં બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર પણ વિરોધ પક્ષોને કૃષિ ક્ષેત્રે પ્રવર્તતી કટોકટી અને ખેડૂતોની નારાજગીને ટોચની પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો છે અને સાથે સાથે આ મુદ્દે મોદી સરકાર વિરુદ્ધ વ્યૂહરચના પણ ઘડવામાં આવી રહી છે. કોંગ્રેસે શ્રેણીબદ્ધ કિસાન આક્રોશ રેલીઓનું જુદા જુદા રાજ્યોમાં આયોજન કરવાની તૈયારી પણ કરી છે.
સંયુક્ત મોરચો રચીને વિરોધ પક્ષોએ ચાલુ ચોમાસંુ સત્ર દરમિયાન સંસદમાં નિકટનું સંકલન સાધવાની યોજના તૈયાર કરી છે. દરમિયાન બિહારના નાયબ મુખ્યપ્રધાન અને રાજદના નેતા લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ સામે સીબીઆઇની કાર્યવાહીના સંદર્ભમાં તેમની સામે પગલાં લેવા બાબતે જદ (યુ) અને રાજદના સંબંધોમાં તંગદિલી ઊભી થઇ હતી પરંતુ હવે આ બંને પક્ષોની સંધિ મોદી સરકાર વિરુદ્ધ વિરોધ પક્ષના હાથ વધુ મજબૂત કરશે.
૧૮ પક્ષોનો વિપક્ષી મોરચો ખેડૂતોનું સંકટ, ડોકલામ મડાગાંઠ, હિંસક ટોળા દ્વારા હિંસા અને કાશ્મીરની અશાંતિના મુદ્દે સરકારને ચોમેરથી ઘેરવા પ્લાન તૈયાર કર્યો છે અને હવે બિહારમાં સંધિના પગલે મોદી સરકાર વિરુદ્ધ વિરોધ પક્ષના હાથ વધુ મજબૂત થશે એવી કેટલાક પક્ષો દ્વારા આશા સેવાઇ રહી છે.