(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૨૯
બોરસદ શહેરમાં મહાદેવ રોડ ઉપર રહેતાં ચેતનભાઈ ગોપાલભાઈ પંચાલ પોતાના મિત્ર અજય ઉર્ફે કારીયો જગદીશભાઈ વાદીની મોટરસાઈકલ પાછળ બેસી બોરસદ હાઈવે ઉપર આવેલ લીલા હોટલમાં જમી લઈશું તેમ કહી મોટરસાઈકલ પાછી વાળી હતી ત્યારે પેટ્રોલ પંપ નજીક અજય ઉર્ફે કારીયોએ આગળ જતા વાહનની રોંગ સાઈડે ઓવરટેક કરવા જતાં મોટરસાઈકલ કાર સાથે અથડાતાં મોટરસાઈકલ સ્લિપ ખાઈ રોડ ઉપર ધસડાયું હતું. જેમાં અજય ઉર્ફે કારીયો વાદી રહે. પાવન એપાર્ટમેન્ટ પાંચનાળા પાસે બોરસદને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ચેતન પંચાલને ઈજાઓ થતાં તે અર્ધબેભાન બની ગયો હતો. આ ઘટનાને લીધે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘવાયેલા ચેતન પંચાલને ત્વરિત સારવાર માટે બોરસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જે બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ બનાવ અંગે ચેતન ગોપાલભાઈ પંચાલની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.