(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારને પ્રશ્ન કર્યો છે કે, બિલ્કિસબાનો સામૂહિક બળાત્કાર કેસમાં દોષી ઠરાવેલ પોલીસો સામે ખાતાકીય પગલાં લેવાયા હતા કે નહીં. સુપ્રીમકોર્ટે સરકારને આ બાબતે ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા અને જજ ખાનવિલકર અને જજ ચંદ્રચુડની બેંચે પીડિતાને જણાવ્યું કે એમણે કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરવી જોઈએ. જેમાં માગણી કરવી જોઈએ કે એમને વધુ વળતર જોઈએ છે. જુલાઈ મહિનામાં સુપ્રીમકોર્ટે બે ડૉક્ટરો અને ચાર પોલીસની અપીલ રદ કરી હતી. આ બધાએ એમને કોર્ટ દ્વારા દોષી ઠરાવવા સામે અપીલ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે બિલ્કિસબાનો ર૦૦રના સંવેદનશીલ કેસમાં દોષી જાહેર કરતાં કહ્યું હતું કે, એમની વિરૂદ્ધ સ્પષ્ટ પુરાવાઓ છે. ફરિયાદ પક્ષ મુજબ ૩જી માર્ચ ર૦૦રના રોજ બિલ્કિસબાનોના કુટુંબ ઉપર રાધિકપુર ગામમાં ટોળા દ્વારા હુમલો કરાયો હતો જેમાં એમના કુટુંબની સાત વ્યક્તિઓના મોત થયા હતા. તે વખતે બિલ્કિસબાનો ગર્ભવતી હતી ત્યારે એની ઉપર ૬ વ્યક્તિઓએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. આ કેસની ટ્રાયલ અમદાવાદમાં શરૂ થઈ હતી પણ પછીથી ટ્રાયલને મુંબઈ ખાતે તબદીલ કરાઈ હતી. ફરિયાદ પક્ષને ભય હતો કે પુરાવાઓ સાથે છેડછાડ કરાશે અને નિષ્પક્ષ કાર્યવાહી થઈ શકશે નહીં. ર૧મી જાન્યુઆરી ર૦૦૮માં મુંબઈની સ્પે.કોર્ટે ૧૧ વ્યક્તિઓને દોષી ઠરાવી જન્મટીપની સજા ફટકારી હતી. દોષી ઠરાવેલ વ્યક્તિઓમાં પોલીસો અને ડૉક્ટરો પણ હતા.