(અનસારી તાહિર) સુરત
સુરત શહેર અને જિલ્લામાં બિનખેતી અને જમીનોની હેતુફેરના કેસોમાં કલેક્ટર મહેન્દ્ર પટેલે સુરત કલેક્ટરના ચાર્જ લીધા બાદ આજદિન સુધી ૩૫ જેટલા ઓપન હાઉસ યોજી ૨૯૦૦ જેટલા અરજદારોને તેમના હુકમો એનાયત કરતા અરજદારોમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી. કલેક્ટર મહેન્દ્ર પટેલે તા.૯-૫-૨૦૧૬ના રોજ સુરત જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. ત્યારથી શહેર તેમજ વિવિધ ગામોમાં ગતિશીલતા લાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. કલેક્ટર મહેન્દ્ર પટેલે કામ ઝડપી બનાવવા સાથે લોકોને વારંવાર કલેક્ટર કચેરીના ધક્કા ખાવા ન પડે તે હેતુથી સારામાં સારા પગલાં ભર્યા છે. જેને લઇને કલેક્ટર કચેરીમાં કામોના નિકાલની ગતિ વધી હોય તેમ કહીએ તો નવાઇ નહીં. જમીનનો બિનખેતી ઉપયોગ કરવા માટે બિનખેતી અરજીઓનો નિકાલ તથા ગણોતધારાની કલમ ૪૩ હેઠળની પ્ર.સ.પ્રકારની જમીન જૂની શરતમાં હેતુફેર કરવા અંગેની અરજીઓનો નિકાલ તથા નવી શરતની જમીન હેતુફેર કરવા અંગેની અરજીઓનો ઝુંબેશ સ્વરૂપે નિકાલ કરવા અંગેના ઓપન હાઉસમાં કલેક્ટરે સીધા અરજદારોને તેમની સમક્ષ બોલાવી અરજદારોના હાથમાં ઓર્ડર સહિત પ્રીમિયમના ઓર્ડરો આપ્યા હતા. કલેક્ટર મહેન્દ્ર પટેલે લોકોના કામનો નિકાલ નહી પરંતુ ઉકેલ આવે તેવા વહીવટ માટે ખેવના વ્યક્ત કરી હતી. બિનખેતી શાખાના મામલતદાર તેમજ નાયબ મામલતદાર અને જમીન સુધારણા એકમના નાયબ કલેક્ટર એન.આર. ધાંધલની ઝડપી કામગીરીને પગલે વિતેલા દસ મહિના સુરત જિલ્લા સમગ્ર રાજ્યમાં સરકારની તિજોરી છલકાવવામાં અગ્રેસર રહ્યો હોવાનું જાણવા મળે છે. મુંબઇ જમીન મહેસૂલ અધિનિયમ ૧૮૭૯ની કલમ ૬૫ , ૬૬, ૬૭ હેઠળની જમીનનો બિનખેતી ઉપયોગ કરવા માટે બિનખેતી અરજીઓનો નિકાલ તથા ગણોતધારાની કલમ ૪૩ હેઠળની પ્ર.સ.પ્રકારની જમીન જૂની શરતમાં હેતુફેર કરવા અંગેની અરજીઓનો નિકાલ તથા નવી શરતની જમીન હેતુફેર કરવા અંગેની અરજીઓનો ઝુંબેશ સ્વરૂપે નિકાલ કરવા અંગેના ઓપન હાઉસમાં હુકમો કર્યા હતા. ૧૮ માસમાં સૌથી વધારે ડિસેમ્બર મહિનાની ચોથી તારીખે યોજાયેલ ઓપન હાઉસમાં એક જ દિવસમાં ૧૦૧૨ જેટલા હુકમો થતાં કલેક્ટરની આ કામગીરી સૌએ બિરદાવી હતી. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ૧૮ માસમાં કલેક્ટર મહેન્દ્ર પટેલે જમીનોની બિનખેતી અને શરતફેરના કેસમાં કુલ ૩પ ઓપન હાઉસ યોજ્યા હતા અને ઓપન હાઉસમાં કલેક્ટર મહેન્દ્ર પટેલે કુલ ૨૯૦૦ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવતા કલેક્ટરની આ કામગીરીથી જિલ્લા મહેસૂલ તંત્રએ ગર્વની લાગણી અનુભવી હતી.
૧૮ માસમાં ૩પ ઓપન હાઉસ કરોડોની આવક!! : કલેક્ટર
જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલે વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં છેલ્લા ૧૮ માસમાં ૩પ જેટલા ઓપન હાઉસ યોજાયા હતા. આ ઓપન હાઉસમાં કુલ ૨૯૦૦ જેટલા કેસો અલબત્ત અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. આ અરજીઓનો નિકાલ થતાં રાજ્ય સરકારની તિજોરીમાં કરોડો રૂપિયાની આવક જમા થઇ છે. વિતેલા ૧૭ માસમાં જિલ્લાની પપ લાખ ચો.મીટર જમીન બિનખેતી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. નવી શરતની ફાઇલ જૂની શરતમાં તબદીલ થાય તે વખતે જમીનોના ટાઇટલની પૂરેપૂરી ચકાસણી કરવાની હોય છે તે માટે સર્કલ કક્ષાએ, પ્રાંત કક્ષાએ, બ્રાંચ કક્ષાએ સમય મર્યાદામાં પૂર્ણ કરવાની કામગીરી કલેક્ટર દ્વારા સોંપવામાં આવી હતી. જ્યારે નવી શરતની ફાઇલ જૂની શરતમાં તબદીલ કરવામાં આવે છે ત્યારે મામલતદારથી લઇને નાયબ કલેક્ટર કચેરી સુધીના અભિપ્રાયો આવતા હોય છે. સમય મર્યાદામાં કામ થતા હોવાથી તત્કાલ બિનખેતીની ફાઇલ ફટાફટ ક્લીયર થવામાં સફળતા મળી રહે છે.