(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા. ૩૧
ગુજરાતભરમાં ખળભળાટ મચાવનાર બિટકોઇન કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે આજે જીગ્નેશ મોરડિયા સહિતના ચાર આરોપીઓની ધરપકડ કરતાં ભારે ખળભળાટ મચી ગયો છે. તપાસનીશ એજન્સીએ આરોપી જીગ્નેશ મોરડિયા પાસેથી આઠ કિલો સોનું પણ જપ્ત કર્યું છે. બીજીબાજુ, સીઆઇડી ક્રાઇમે આ કેસમાં નાસતા ફરતાં શૈલેષ ભટ્ટ સહિતના આરોપીઓની શોધખોળ પણ જારી રાખી છે. ચકચારભર્યા બિટકોઇન કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમની તપાસમાં આજે કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં કુલ ૨૨૫૬ બિટકોઇન પૈકી ૫૦૬ બિટકોઇન જીગ્નેશ મોરડિયાએ બારોબાર વેચી માર્યા હતા. પોલીસે જીગ્નેશ મોરડિયા પાસેથી આઠ કિલો સોનું પણ જપ્ત કર્યું છે. સુરતના ધવલ માવાણીનું અપહરણ કરી રૂ. ૧૩૫ કરોડના બિટકોઇન અને ૧૪.૫૦ કરોડ રૂપિયા રોકડા પડાવી લેવાના ચકચારભર્યા પ્રકરણમાં મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટના ચાર સાગરીતોને આજે સીઆઈડી ક્રાઈમ સુરતથી ગાંધીનગરની ઓફિસ લઈ આવી હતી. સીઆઈડી ક્રાઈમની એસઆઈટી ચારેય જણાંની ઘનિષ્ટ પૂછપરછ હાથ ધરી રહી છે. જેમાં શૈલેષ ભટ્ટની સુરત અને અમરેલીની કેટલીક માહિતી પોલીસને જણાવી હતી. સીઆઈડી ક્રાઈમ બિટકોઇનમાં શૈલેષ ભટ્ટ સાથેનો રોલ અને તેમના ભાગે કેટલા નાણાં આવ્યા તેની માહિતી ઓકાવી રહી છે. તપાસનીશ અધિકારી પ્રમોદ નરવાડે સુરતથી આરોપી જીગ્નેશ મોરડિયા, મનોજ, મેહુલ અને ડ્રાઇવરને ગાંધીનગર લઈ આવી હતી. ક્રિપ્ટો કરન્સી બિટકોઇનના ઓપરેટર સતિષ કુંભાણીના વિશ્વાસુ ધવલ માવાણીનું અપહરણ કરી ૨,૨૫૬ બિટકોઇન અને ૧૪.૫૦ કરોડ રૂપિયા રોકડા આંગડિયામાં હવાલા પાડવા મામલે સીઆઇડી ક્રાઇમે નવો ગુનો નોંધીને શૈલેષના ભાણિયા નીકુજ ભટ્ટ અને દિલીપ કાનાણીની ધરપકડ કરી હતી. જેમાં શૈલેષ ભટ્ટ મુખ્ય સૂત્રધાર હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. સીઆઈડી ક્રાઈમે શૈલેષ ભટ્ટની સુરતની ઓફિસમાં સર્ચ હાથ ધરીને બિટકોઇન અને જમીનોને લગતા દસ્તાવેજો કબજે લીધા હતા. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કે.પી.સ્વામી સાથે શૈલેષ ભટ્ટ સતત સપર્કમાં હોવાનું બહાર આવ્યું હતું. આજે વધુ ચાર આરોપીઓ પકડાતાં ચકચારભર્યા એવા આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવવાની પૂરી શકયતા છે.