(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૭
ભાજપના નેતાઓ તેમના સંમેલનમાં સાફસુથરી પાર્ટી તરીકેની ગુલબાંગો હાંકે છે પરંતુ વર્ષ ર૦૧રમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ૧૮રમાંથી ૪પથી વધુ ઉમેદવારો કે જેમના પર ફોજદારી ગુનાઓ નોંધાયા હતા. તેમને ટિકિટ આપી હતી ત્યારે ભાજપ અને નરેન્દ્ર મોદી ગુજરાતની જનતાને જવાબ આપે કે ભાજપ વિધાનસભા ર૦૧૭ અને ર૦૧રની જેમ ર૦૧૭માં ગુનાહિત ઈતિહાસ ધરાવતા કેટલા ઉમેદવારોને ટિકિટ આપશે ? એમ પ્રશ્ન કરી કોંગ્રેસે ભાજપના ૩૦ કલંકિત નેતાઓની યાદી જાહેર કરી છે જેમાં અમિત શાહ, આનંદીબેન પટેલ, બાબુ બોખીરિયા, શંકર ચૌધરી, પુરૂષોત્તમ રૂપાલા, પરષોત્તમ સોલંકી, સૌરભ પટેલ, સ્મૃતિ ઈરાની, અરૂણ જેટલી, ગણપત વસાવા, જેઠા ભરવાડ વગેરેનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપ અને તેના વરિષ્ઠ નેતાઓ વારંવાર બીજા પક્ષ પર ખોટેખોટા આક્ષેપો કરીને પોતાની છબી સુધારવાના પ્રયત્નો કરે છે, પરંતુ વિધાનસભાની વર્ષ ર૦૦૭ અને ર૦૧રની ચૂંટણીઓમાં જેમના પર હત્યા અને અપહરણ જેવા ગંભીર ગુનાઓ નોંધાયા છે તેવા વ્યક્તિઓને ભાજપે ટિકિટ આપીને તેમના ચાલ-ચલન-ચરિત્ર અને ચહેરા ખુલ્લા કરી દીધા છે. ભાજપના વર્ષ ર૦૧રમાં ૧૧પ ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી ૩ર ધારાસભ્યો ઉપર ગંભીર ગુનાઓ નોંધાયા છે. ૬ ધારાસભ્યો સામે અતિ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ભાજપના અનેક પદાધિકારીઓ અને ચૂંટાયેલા ધારાસભ્યો ગંભીર આર્થિક ગુનાઓ અને ગેરરીતિઓમાં ચમકી ચૂક્યા છે.
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ લાંચ કેસમાં, બીજા પૂર્વ અધ્યક્ષ જૈન હવાલાકાંડમાં અને હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ પર અતિગંભીર ગુનાઓ નોંધાયા હોય તેવા સમયે ભાજપના સંમેલનમાં કોંગ્રેસ પક્ષ પર આક્ષેપ કરનાર વડાપ્રધાન “ક્રિમિનાલાઈઝેશન ઓફ પોલિટિક્સ”ને ચૂંટણી જીતવા માટે હથિયાર બનાવતા હોય ત્યારે નરેન્દ્ર મોદીએ ફોજદારી ગુના જેમના પર દાખલ થયા છે તે તમામ સામે પગલાં ભરવાના સુપ્રીમ કોર્ટના આદેશને પણ ત્રણ વર્ષ વીતી ગયા છતાં તે દિશામાં કોઈ પગલાં ભર્યા નથી. કેન્દ્રીય પ્રધાનમંડળના ૭૮ મંત્રીઓ પૈકી ર૪ મંત્રીઓ સામે ગંભીર ગુનાઓ અને ૧૪ મંત્રીઓ સામે અતિગંભીર ગુનાઓ છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, મહિલા વિરુદ્ધના ગુનાઓ મુખ્યત્વે છે. ભાજપના ચૂંટાયેલા ર૮૧ સાંસદો પૈકી ૯૮ સાંસદો સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
ગાંધી-સરદારના ગુજરાતમાં “પાર્ટી વીથ ડિફરન્સ”ની વાત કરનાર ભાજપ સત્તા મેળવવા માટે તમામ પ્રકારના સગવડિયા સમાધાન કરી ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિઓને ભાજપનો ભગવો ખેસ પહેરીને ચૂંટણી જીતવા માંગે છે. જેમાં ઘણી બધી સફળતા પણ ભાજપે મેળવી છે ત્યારે તમામ મોરચે નિષ્ફળ નિવડેલ, હતાશ-નિરાશ ભાજપ વિધાનસભા-ર૦૧૭ની ચૂંટણી જીતવા તમામ પ્રકારની ગુંડાગર્દી અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિઓને જનપ્રતિનિધિ તરીકે પસંદ કરશે અને આ દિશામાં ભાજપે છેલ્લા ૧ર મહિનાથી કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ભાજપના નેતાઓએ જ ગુજરાતમાં ૯ર મહિલાઓ પર બળાત્કાર કર્યા
ભાજપના નેતાઓ એક તરફ મહિલા સન્માનની વાતો કરે છે પરંતુ છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ફક્ત ગુજરાતમાં જ ૯ર મહિલા ઉપર બળાત્કાર કર્યો છે. આ છે ભાજપની સભ્યતા યોજનાના પુરાવા એવી વાતો સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે. અસંખ્ય લિંક પણ સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે. જેમાં ભાજપના નેતા, ભાજપના જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ, પારૂલકાંડવાળા જયેશ પટેલ, નલિયાકાંડવાળા વિનોદ ઠક્કર, નર્મદા જિલ્લાના ભાજપના મહામંત્રી જયંતી તડવી ઉપરાંત ભાજપના નેતા ચાલુ ફ્લાઈટમાં ૧૩ વર્ષની છોકરીને અડપલાં કરતા હતા તે વિગતો જાહેર કરવામાં આવી છે.