(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૧
ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંંટણીમાં ભાજપનો પ્રચાર અને પ્રસાર કરવા ૩૬ જાદુગરોને ઉતાર્યા હોવાના સમાચારને પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ આખી જ જાદુગરોની પાર્ટી છે ખોટાવચનો આપ્યા સિવાય કોઈ કામ કરતી નથી. બીજી તરફ આજરોજ ભાવનગર ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ ગુજરાતને પર્યટન સ્થળ માની લીધું છે. તેઓ દર ત્રણ દિવસે અહીં આવી જાય છે. મે તેમના આટલા ભાષણો સાંભળ્યા પરંતુ તેમનો મુદ્દોશું છે એ જ સમજાતું નથી આનો જવાબ આપતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અમિત શાહ રાહુલ ગાંધી વિરૂદ્ધ બોલવા સિવાય કોઈ કામ કરતા નથી. કાશ્મીર મુદ્દે પણ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમણે જણાવ્યું હતું કે, ભાજપના ત્રણ વર્ષના શાસનમાં અનેક સૈનિકો માર્યા ગયા છે પરંતુ માથા વાઢી લાવવાની મોટી-મોટી વાતો કરનારા વડાપ્રધાન આ મામલે ચૂપ છે. નેપાળ સાથેના સંબંધો પણ બગડી ગયા છે. ચીનની સરહદે પણ કપરી પરિસ્થિતિ છે. આવી સ્થિતિ કોંગ્રેસના શાસનમાં કયારેય જોવા મળી નથી. કોંગ્રેસ અંતિમ ઘડી સુધી ઉમેદવારોની પસંદગી શા માટે નથી કરતી ! તેના જવાબમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ઉમેદવારોની યાદી છેલ્લી ઘડીએ જ જાહેર કરવી એ અમારી રણનીતિનો ભાગ છે.