ભાજપ અને ગદ્દાર ધારાસભ્યો સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવો : પોલીસના લાઠીચાર્જમાં બે ઘાયલ

અમદાવાદ, તા.૩૧

ભાજપ સત્તા અને પૈસાના જોરે પોતાના ધારાસભ્યોને તોડી રહ્યું હોઇ તેની પોલ ખોલવા માટે કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં ભાજપ સામે જોરદાર દેખાવો અને વિરોધ પ્રદર્શન યોજયા હતા. દેખાવોમાં કોંગ્રેસના કાર્યકરોએ બેનરો અને પ્લેકાર્ડ સાથે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયેલા અને પક્ષ સાથે છેડો ફાડનાર ધારાસભ્યોનો જોરદાર વિરોધ કરી તેઓને ગદ્દાર તરીકે ચીતરી ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા હતા. એક તબક્કે દેખાવો દરમ્યાન કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સાથે ઘર્ષણ થતાં પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જેમાં બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખ અને ગોમતીપુરના કોર્પોરેટર ઇકબાલ શેખને ઇજા પહોંચી હતી.
કોંગ્રેસના દેખાવોને લઇ એક તબક્કે ખાનપુર વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું. પોલીસે વિરોધ કાર્યક્રમ દરમ્યાન ૫૦થી વધુ કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસના દેખાવો અને વિરોધ પ્રદર્શનને લઇને આજે સાંજે ખાનપુર, રૂપાલી વિસ્તારમાં ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના કારણે ખાનપુર જે.પી.ચોક વિસ્તારમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ખડકાયો હતો. આજે સાંજે જે.પી.ચોક, ખાનપુર ખાતે કોંગ્રેસના શહેર પ્રમુખ ચેતન રાવલના નેતૃત્વમાં ભાજપ સામેના દેખાવો-વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં અમ્યુકોના વિપક્ષના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક, કોર્પોરેટર બદરૂદ્દીન શેખ, કોંગ્રેસના યુવા નેતા નીરવ બક્ષી સહિતના નેતાઓ, આગેવાનો અને સેંકડો કોંગી કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. એક તબક્કે કોંગ્રેસના કાર્યકરો દેખાવો અને વિરોધ પ્રદર્શનમાં બેકાબૂ બનતાં પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી એ વખતે કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. એક તબક્કે પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જેમાં કોર્પોરેટર બદરૂદ્દીન શેખ અને ઇકબાલ શેખને સામાન્ય ઇજા પહોંચતા તેમને વી.એસ.હોસ્પિટલમાં લઇ જવાયા હતા. બાદમાં રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસના બળપ્રયોગ અને ભાજપના અત્યાચારી શાસન સામે ઉગ્ર વિરોધ સાથે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા અને વાતાવરણ ગજવી મૂકયુ હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks