નવી દિલ્હી, તા. ૧૬
રાહુલ ગાંધીએ શનિવારે કોંગ્રેસના અધ્યક્ષ પદે સત્તાવાર રીતે સુકાન સંભાળી લીધું હતું. દિલ્હી ખાતેના કોંગ્રેસ ભવનમાં યોજાયેલા સમારોહમાં રાહુલ ગાંધી પાર્ટીના નવા અધ્યક્ષ બની ગયા હતા. આ પ્રગંસે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષા તથા તેમના માતા સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, બહેન પ્રિયંકા અને તેમના પતિ રોબર્ટ વાડ્રા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. રાહૂલ ગાંધીએ પોતાના પ્રથમ ભાષણમાં જણાવ્યું કે ભાજપને અમે અમારા ભાઇ-બહેન તરીકે માનીએ છીએ પરંતુ અમે તેમની સાથે સહમત નથી. ભાજપના લોકો અવાજને દબાવે છે પરંતુ અમે બોલવા દઇએ છીએ. તેઓ અપમાન કરે છે અને અમે સન્માન અને સંરક્ષણ આપીએ છીએ.રાહુલે કહ્યું કે, રાજકારણ લોકો માટે છે પરંતુ આજકાલ તે લોકો માટે ઉપયોગમાં લેવાતું નથી. અત્યારે તેને લોકોને ઊંચા લાવવા માટે નહીં પરંતુ તેમને કચડવા માટે ઉપયોગમાં લેવાય છે. આજનું રાજકારણ ઇમાનદારી અને સત્યને દબાવવા માટે થાય છે. રાહુલ ગાંધીને પ્રમાણપત્ર આપી સત્તાવાર રીતે કોંગ્રેસના અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા. પદ ગ્રહણ કર્યા બાદ કાર્યકરોને આપેલા પ્રથંમ ભાષણમાં રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્રમોદી પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ભારતને ૨૧મી સદીમાં લઇને આવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણને મધ્યયુગ એટલે કે, માલદીવના સમયમાં લઇ જઇ રહ્યા છે. ભાજપ તથા મોદી પર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે, એક વખત આગ લાગ્યા બાદ તેના પર કાબૂ મેળવવો મુશ્કેેલ હોય છે અને ભાજપે સમગ્ર દેશમાં આગ લગાવી છે. તેમણે કહ્યું કે, તેઓ આગ લગાવે છે અને અમે તેને બુઝાવી રહ્યા છીએ.