મુખ્ય આરોપી જુહી ચૌધરીએ ૧૭ બાળકોને વેચ્યા : બેબીની કિંમત ૧ લાખ અને બાબાની કિંમત ર લાખ રૂપિયા : મુખ્ય આરોપી જુહીને જલપાઈગુડી અદાલતમાં રજૂ કરી ૧ર દિવસના રિમાન્ડ અપાયા; કૌભાંડમાં ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને ભાજપના નેતાઓ સામે પણ આરોપપત્ર દાખલ કરાયા : બાળ તસ્કરીના મુખ્ય આરોપીએ કહ્યું કે, ભાજપના નેતાઓએ તેમને ચાઈલ્ડ કેર હોમના તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી
(એજન્સી) કોલકાતા, તા.૧
બંગાળમાં બાળ તસ્કરીના આરોપી ભાજપના નેતા જુહી ચૌધરીની ધરપકડ બાદ આ કૌભાંડમાં ભાજપના સાંસદ રૂપા ગાંગુલી અને મહામંત્રી વિજયવર્ગીયનું નામ પોલીસ સમક્ષ ખુલ્યું છે. વિમલા શિશુ ગૃહના સંચાલિકા ચંદના ચક્રવર્તીની બાળ તસ્કરી અંગે ૧૮ ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરાઈ હતી. જેમની પોલીસે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે બાળ તસ્કરીનો કેસ ઉકેલવા ભાજપના મોટા નેતા કૈલાશ વિજયવર્ગીય અને રૂપા ગાંગુલી સાથે ચર્ચા થઈ હતી. ચંદના ચક્રવર્તી પર ૧૭ બાળકોને દંભી રીતે દત્તક આપી વેચી દઈ તસ્કરીનો આરોપ છે. ચંદના ચક્રવર્તીએ કહ્યું કે તેઓ જુહી સાથે દિલ્હી ગયા હતા અને ભાજપના નેતાઓ સાથે આ કેસની પતાવટ માટે ચર્ચા કરી હતી. જુહી ચૌધરીએ અલગ રૂમમાં ભાજપના નેતા રૂપા ગાંગુલી અને વિજયવર્ગીય સાથે ચર્ચા કરી હતી. તેમણે કેસમાં મદદની ખાત્રી આપી હતી. આ અહેવાલ બહાર આવતા સાંસદ રૂપા ગાંગુલીએ કહ્યું કે તેમનું આ કેસમાં નામ સામેલ કરવાનું ટીએમસીનું એક કાવતરું છે. તે અંગે અમે કોર્ટના દ્વાર ખખડાવીશું. ટીએમસી ભાજપ પર આરોપો મૂકે છે. જુહી ઘણા દિવસો ફરાર રહ્યા બાદ તેનું નામ આ કેસમાં જોડાયું. નેપાળ સરહદે બાળકોને તસ્કરીથી વેચી દેવાના હતા. સીઆઈડી દ્વારા તપાસ બાદ ભાજપના નેતા જુહી ચૌધરીને પોલીસે પકડ્યા છે. તેમની પૂછપરછમાં ભાજપના બે વરિષ્ઠ નેતાઓના નામ આવ્યા છે. સીઆઈડીએ આ કેસમાં અત્યાર સુધીમાં ૪ લોકોની ધરપકડ કરી છે. જેમાં શિશુગૃહના મુખ્ય અધિકારી સોનાલી માંડેલ, ચેરમેન ચંદના ચક્રવર્તી અને તેના ભાઈ માનસ ભૌમિક સામેલ છે. તેમના પર ૧થી ૧૪ વર્ષની વયના ૧૭ બાળકોને વિદેશીઓને વેચી દેવાનો આરોપ છે. આ કામને યોગ્ય ઠેરવવા ખોટી રીતે એવું બતાવાયું કે બાળકોને તેમના મા-બાપે દત્તક આપવા માટે તેમને બાળકો સોંપ્યા છે જે પ્રક્રિયા કાનૂની રીતે થઈ છે. ભાજપના નેતા વિજયવર્ગીયએ કહ્યું કે પોલીસ અમારા સામે કાવતરું કરી રહી છે. બંગાળ ભાજપના પ્રમુખ દીલીપ ઘોષે કહ્યું કે જુહી ચૌધરી રાજકીય કાવતરાનો ભોગ બન્યા છે. જુહી ચાઈલ્ડ એડોપ્સન સેન્ટરના સભ્ય નથી. પોલીસે બાળ તસ્કરીના મામલે બદુરિયા અને ર૪ પરગણા જિલ્લામાં દરોડા પાડી બાળ તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. દરમિયાન બાળતસ્કરી મામલે ભાજપના મહિલા નેતા મંગળવારે નેપાલ સરહદેથી પકડી લેવાયા હતા. ત્યારબાદ તેમને જલપાઈગુડી અદાલતમાં રજૂ કરી ૧ર દિવસના રિમાન્ડ ઉપર મોકલાયા હતા. બીજી તરફ ભાજપે જુહી ચૌધરીની પક્ષમાંથી હકાલપટ્ટી કરી છે. તે બંગાળ મહિલા મોરચાની મહાસચિવ હતી. સીઆઈડીના કહેવા મુજબ જુહીએ ર૪થી વધુ બાળકોને તસ્કરીથી વેચી દીધા છે જેમાંના કેટલાક બાળકોને ભારતમાં અને બીજા અમેરિકા, ફ્રાન્સમાં વેચી દેવાયા છે. પોલીસે કહ્યું કે ગેરસરકારી સંગઠનો બાળકોને વેચવાની કિંમત નક્કી કરતા હતા. પછી તેઓ દત્તક લેવાના નિયમોની અવગણના કરી વેચી દેતા હતા. સીઆઈડીના અધિકારીઓએ જણાવ્યું કે, જુહી ચૌધરી પર ૧૭ બાળકોની તસ્કરીનો આરોપ છે. પોલીસને તેની ઘણા સમયથી તલાશ હતી. આ કૌભાંડ કેવી રીતે બહાર આવ્યું. ગયા વર્ષે સીઆઈડીએ એક આંતરરાષ્ટ્રીય બેલી ટ્રાફીકીંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ કોલકાતા અને નોર્થ પરગણા જિલ્લામાં દરોડા પડયા હતા. તે પછી ૧૩ બાળકોને છોડાવાયા. આ સંદર્ભમાં ડૉકટર, નર્સ અને દલાલો સહિત ર૦ લોકોને પકડવામાં આવ્યા. તપાસમાં બહાર આવ્યું કે, બંગાળના ચાર જિલ્લાના ઘણા નર્સિંગહોમ, હોસ્પિટલો, એનજીઓ આ તસ્કરીમાં સામેલ છે. જે બાળકોને દેશના બીજા ભાગોમાં વેચે છે. ફેબ્રુઆરીમાં સીઆઈડીએ બે ડૉક્ટરો અને એક ભાજપના નેતા સહિત ૧૯ લોકોની ધરપકડ કરી આરોપપત્ર કોર્ટમાં દાખલ કર્યા હતા. બાળકોની કિંમત શ્યામવર્ણવી છોકરીની કિંમત ૮૦ હજારથી ૧ લાખ રૂપિયા અને ગોરી છોકરીની કિંમત દોઢ લાખ રૂપિયા લઈ વેચાતી હતી. બાળકની કિંમત ર લાખ રૂપિયા નિર્ધારિત કરાઈ હતી.