(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૮
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ૧પ૦ સીટો મેળવવાના ટાર્ગેટનું સુરસુરિયું થઈ ગયું છે. જયારે નવસર્જનની વાત કરનારી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જ ઘર ભેગા થઈ ગયા છે. તો સામે ભાજપે જીત તો મેળવી પણ તેના મંત્રીઓ અને પૂર્વ મંત્રીઓને મતદારોએ રસ્તો બતાવી દીધો છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધાર્યા મુજબના ચોંકાવનારા પરિણામો આવ્યા છે. તેમજ ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પણ હારનો સ્વાદ ચાખવો પડયો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સરકારના મંત્રી શંકર ચૌધરીને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ટક્કર આપીને તેમને હરાવ્યા છે. તો કૃષિમંત્રી ચીમન સાપરિયા, સામાજિક ન્યાય રાજમંત્રી કેશાજી ચૌહાણ, જળ સંસાધન મંત્રી જશા બારડ, મંત્રી આત્મારામ પરમાર, મંત્રી શબ્દશરણ તડવી તથા પૂર્વ ગૃહમંત્રી રજની પટેલની હાર થઈ છે તેવી જ રીતે પૂર્વમંત્રી જયનારાણ વ્યાસ અને વિધાનસભાના સ્પીકર રમણલાલ વોરાને પણ હાર મળી છે. જયારે કોંગ્રેસના દિગ્ગજ નેતા સિધ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, શકિતસિંહ ગોહિલ, તુષાર ચૌધરી, ઈન્દ્રનીલ રાજયગુરૂને હાર મળી છે. આમ ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પણ હાર મળતા રાજકારણમાં કયારે પણ કંઈ પણ થઈ શકે છે. તે વાત સાચી ઠરી છે.
કોંગ્રેસના હારેલા દિગ્ગજો
સિધ્ધાર્થ પટેલ ડભોઈ
ઈન્દ્રનિલ રાજયગુરૂ રાજકોટ
પશ્ચિમ
અર્જુન મોઢવાડિયા પોરબંદર
શકિતસિંહ ગોહિલ માંડવી
તુષાર ચૌધરી મહુવા
ભાજપના હારેલા દિગ્ગજો
દિલીપ સંઘાણી ધારી
આત્મારામ પરમાર ગઢડા
શબ્દશરણ તડવી નાંદોદ
શંકર ચૌધરી વાવ
રજની પટેલ બેચરાજી
ચીમન સાપરિયા જામજોધપુર
મહેન્દ્ર મશરૂ જૂનાગઢ
જયનારાયણ વ્યાસ સિધ્ધપુર
નારાયણ પટેલ ઉંઝા
રામસિંહ પરમાર ઠાસરા
રમણલાલ વોરા દસાડા
તેજશ્રીબેન પટેલ વિરમગામ
જશાભાઈ બારડ ગીર-સોમનાથ
કેશાજી ચૌહાણ દિયોદર