National

ભાજપ દ્વારા સીબીઆઈ-ઈડીનો દુરૂપયોગ એ લોકશાહી માટે સૌથી મોટું જોખમ : માયાવતી

(એજન્સી) લખનઉ, તા.૩૦
બહુજન સમાજ પાર્ટી (બસપા) સુપ્રીમો અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ ભારતીય જનતા પાર્ટી પર સત્તા માટે સરકારી મશીનરીનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે આનાથી લોકશાહી જોખમમાં મૂકાઈ શકે છે. માયાવતીએ એક નિવેદનમાં કહ્યું કે મણિપુર, ગોવા, બિહાર અને ગુજરાત બાદ હવે ઉત્તરપ્રદેશની તાજી રાજકીય ઘટનાઓથી એ બાબત તો સ્પષ્ટ છે કે મોદી સરકારે લોકશાહીનું ભવિષ્ય જોખમમાં મૂકી દીધું છે. સત્તા માટે સરકારી મશીનરીનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ ગુજરાતમાં સત્તાનો ખૂબ જ દુરૂપયોગ કરી રહી છે. જેને કારણે ધારાસભ્યોએ પોતાનું વતન છોડીને સુરક્ષિત જગ્યા પર જવા માટે મજબૂર થવું પડે છે. કોઈ બંધારણીય સંસ્થા પોતાની ભૂમિકાને નિભાવવામાં સક્ષમ દેખાઈ રહી નથી. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે મણિપુર અને ગોવામાં લોકશાહીની હત્યા કરીને ભાજપાએ ત્યાં સરકાર બનાવી લીધી. આ જ કામ બિહાર અને ગુજરાતમાં કર્યા બાદ ઉત્તરપ્રદેશમાં તે નવી રમત શરૂ કરી રહી છે. વિપક્ષની વિરૂદ્ધ કેન્દ્રીય તપાસ સમિતિ, ઈન્કમટેક્ષ અને ઈડી જેવી સરકારી મશીનરીનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. માયાવતીએ કહ્યું કે ભાજપાએ પોતાની ખોટી નીતિઓ, ખોટા કારસ્તાનો અને ભ્રષ્ટાચાર વગેરેથી લોકોનું ધ્યાન હટાવવા માટે વિરોધી નેતાઓને ભ્રષ્ટ સાબિત કરાવવા માટેની ઝુંબેશ હાથ ધરી છે. આ લોકશાહી માટે સૌથી મોટું જોખમ છે.