ભાજપે ત્રણ વર્ષ શાસન કર્યું, હવે કોંગ્રેસને દોષ ન આપી શકે : યશવંત સિંહા

નવી દિલ્હી, તા. ૨૮
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાએ સતત બીજા દિવસે પણ મોદી સરકારની આર્થિક નીતિઓ સામે આકરા પ્રહાર ચાલુ રાખ્યા હતા. ‘આઇ નીડ ટુ સ્પીક’ શિર્ષકવાળા લેખથી રાજકીય ભૂકંપ સર્જનારા સિંહાએ ફરી એકવાર મોદી સરકાર સામે સવાલો ઉઠાવી દીધા છે. તેમણે પત્રકારોને જણાવ્યંુ હતું કે, આપણે ઘણા દિવસોથી જોઇ રહ્યા છીએ કે, ભારતની અર્થવ્યવસ્થા સતત નીચે જઇ રહી છે. આ માટે આપણે પહેલાની સરકારો પર દોષારોપણ કરી શકીએ નહીં. કેમ કે સરકારને ત્રણ વર્ષ થઇ ગયા છે અને પૂરતી તક મળી છે. તેમણે કહ્યું કે, ૨૦૧૪માં જ્યારે હું આર્થિક મામલામાં આવ્યો ત્યારે ફક્ત પાર્ટીનો પ્રવક્તા હતો. ત્યારે અમે યુપીએ સરકારની આર્થિક નીતિઓ સામે સવાલો ઉઠાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે, સરકાર જીએસટી લઇને આવી, હું જીએસટીના સમર્થનમાં છું પરંતુ સરકારને ઘણી ઉતાવળ હતી. ઉતાવળે જ સરકારે જીએસટીને જુલાઇમાં જ લાગુ કરી દીધું. હવે જીએસટી કરોડરજ્જુ બનવામાં નિષ્ફળ છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ટોચના અખબારમાં સંપાદકીય પેજ પર પ્રકાશિત લેખમાં સિંહાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવો કરી રહ્યા છે કે, તેમણે ઘણી ગરીબી જોઇ છે તેમના નાણામંત્રી પણ તમામ ભારતીયોને ગરીબી નજીકથી દેખાડવામાં ઘણી મહેનત કરી રહ્યા છે. જેટલી તેમના પૂર્વ નાણામંત્રીઓ કરતા ઘણા ભાગ્યશાળી રહ્યા છે. તેમને નાણા મંત્રાલય એવા સમયે મળ્યું જ્યારે વૈશ્વિક સ્તરે કાચા તેલની કિંમતોમાં કમીને કારણે તેમની પાસે લાખો-કરોડો રૂપિયાની રકમ હતી. પરંતુ તેમણે કાચા તેલમાંથી મળેલા નાણાનો લાભ પણ ગુમાવી દીધો હતો. તેમણે કહ્યું કે, વિરાસતમાં મળેલી સમસ્યાઓ જેમ કે, બેંકોના એનપીએ અને રોકાયેલી યોજનાઓ નિશ્ચિત રીતે જ સામે હતી, પરંતુ તેને યોગ્ય રીતે ઉકેલવી જોઇતી હતી. તેમણે તો વિરાસતમાં મળેલી સમસ્યાઓને વધારી તો દીધી જ સાથે તેને વધુ ખરાબ કરી દીધી છે. ભારતીય અર્થવ્યવસ્થા અંગે ટીપ્પણી કરતા તેમણે કહ્યું કે, બે દશકોમાં ખાનગી રોકાણ એટલું ઓછું થયું છે અને ઔદ્યોગિક ઉત્પાદન સંપૂર્ણ રીતે ધ્વસ્ત થયું છે. કૃષિની સ્થિતિ એકદમ નીચલી પાયરીએ જતી રહી છે અને પ્રોડક્શન ઉદ્યોગ મંદીના આરે છે તથા અન્ય સેવા ક્ષેત્ર મંથર ગતિએ આગળ વધી રહ્યા છે. નિકાસ પર માઠી અસર પડી છે અને એક બાદ એક સેક્ટર સંકટમાં સપડાઇ રહ્યા છે. વાજપેયી સરકારમાં નાણામંત્રી રહેલા સિંહાએ જણાવ્યું હતું કે, કથળતી જતી અર્થવ્યવસ્થામાં નોટબંધીએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું અને ખરાબ રીતે લાગુ કરાયેલા જીએસટીને કારણે ઉદ્યોગોને ભારે નુકસાનથયું છે અને ઘણા ઉદ્યોગોતો આના કારણે બરબાદ થઇ ગયા છે.
યશવંત સિંહાએ કહ્યું છે કે, આના કારણે લાખો લોકોને પોતના રોજગાર ગુમાવવા પડ્યા છે અને બજારમાં માંડ કોઇ નોકરીઓનું સર્જન થઇ રહ્યું છે. હાલના નાણાકીય વર્ષના પાછલા ત્રિમાસિકમાં આર્થિક વૃદ્ધિદર પડીને ૫.૭ ટકા થઇ ગયો પરંતુ જુની ગણતરી અનુસાર તે વાસ્ચવમાં તે ૩.૭ ટકા જ છે. યશવંત સિંહાએ જણાવ્યંુ હતું કે, જો સરકારે જીડીપી દર ગણતરીની જુની પદ્ધતિ વર્ષ ૨૦૧૫માં બદલી ન હોત તો, વાસ્તવમાં જીડીપી ૩.૭ ટકા અથવા તેના કરતા પણ ઓછો હોત. તેમણે એમ પણકહ્યું હતું કે, જેટલીને અન્ય જવાબદારીઓ પણ આપી દીધી છે અને તેમની પાસે વધારે અપેક્ષા રાખવામાં આવી છે.
યશવંત સિંહાના પ્રહારના બીજા દિવસે પુત્ર જયંત સિંહા સરકારના બચાવમાં આવ્યા કહ્યું, નીતિઓ ‘ન્યૂ ઇન્ડિયા’ માટે
નવી દિલ્હી,તા. ૨૮
કેન્દ્રીય પ્રધાન જયંતસિંહાએ આજે મોદી સરકારની આર્થિક નીતિઓનો બચાવ કરીને પોતાના પિતા યશવંતસિંહાને જવાબો આપ્યા છે. જયંત સિંહાએ પિતા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને ફગાવી દીધા છે. યશવંતસિંહાએ ગઇકાલે લેખમાં અર્થતંત્રની હાલત ખરાબ કરી દેવાનો આક્ષેપ નાણાંપ્રધાન અરૂણ જેટલી પર કર્યો હતો. જયંતે પિતાને કાઉન્ટર કરતા લખ્યું છે કે ભારતીય અર્થતંત્રના સંબંધમાં હાલમાં અનેક લેખ લખવામાં આવી રહ્યા છે, જો કે આ તમામ લેખ નાના તથ્યો પર આધારિત છે. આમાં મુળભૂત માળકાકીય સુધારા તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. અર્થવ્યવસ્થામાં આના કારણે સુધારા થઇ રહ્યા છે. સરકારે હાલના સમયમાં કેટલાક એવા સુધારા કર્યા છે જેનો ફાયદો આવનાર દિવસોમાં લોકોને મળનાર છે. ન્યુ ઇન્ડિયા માટે માળખાકીય ફેરફાર જરૂરી દેખાઇ રહ્યા છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન જયંતસિંહાએ કહ્યુ છે કે જીએસટી, નોટબંધી અને ડિજિટલ પેમેન્ટ ભારતીય અર્થવ્યવસ્થા માટે ગેમ ચેજિંગ પ્રયાસ છે. હજુ સુધી ટેક્સ નહી ચુકવી રહેલા સેક્ટરને ટેક્સની શ્રેણીમાં લાવવામાં આવી રહ્યા છે. લાંબા ગાળામાં ટેક્સ વસુલાત વધશે. રાજ્યો માટે પણ વધારે સંશાધનો ઉપલબ્ધ બનશે.તેમણે વધુમાં કહ્યુ છે કે તમામ મંત્રાલયમાં નિતિઓ હવે નિયમોના આધાર પર જ બની રહી છે. કુદરતી સંશાધનો, કોલસા, સ્પેક્ટ્રમ અને ઉડાણની પારદર્શક રીતે હરાજીની પ્રક્રિયા ચાલી રહી છે. બેકિંગ સેક્ટરને પણ આગામી દિવસોમાં ફાયદો થનાર છે. તેમની એનપીએમાં ઘટાડો થનાર છે. ભારત વર્ષ ૨૦૧૮ સુધી ૧૦૦ ટકા ગામોમાં વીજળી પહોંચાડી દેવાના લક્ષ્યની નજીક પહોંચી જશે. ગ્રામીણ વિસ્તારોમાં અતિ ઝડપથી રસ્તા બની રહ્યા છે. અત્રે નોંધનીય છે કે ભાજપના દિગ્ગજ નેતા અને વાજપેયી સરકારમાં મંત્રી રહી ચુકેલા યશવંતસિંહાએ નાણામંત્રી અરુણ જેટલી ઉપર ગઇકાલે તેજાબી પ્રહારો કર્યા હતા. એક લેખમાં તેઓએ કહ્યું છે કે, નાણામંત્રીએ હાલમાં અર્થતંત્રની જે હાલત કરી છે તેના ઉપર વધારે મૌન રહેવાની બાબત યોગ્ય નથી. જો હવે મૌન રહેશે તો રાષ્ટ્રીય ફરજ અદા કરશે નહીં.
યશવંત સિંહાએ બરોબર માથા પર નખ માર્યો : ભાજપ સાંસદ શત્રુઘ્ન


નવી દિલ્હી, તા. ૨૮
દેશની અર્થવ્યવસ્થા સામે સવાલો ઉઠાવનારા યશવંત સિંહાના પક્ષના સાથીદાર શત્રુઘ્ન સિંહા તેમના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું હતું કે, તેઓ ખરેખર મુત્સદ્દી છે અને તેમણે સરકારને અરીસો દેખાડ્યો છે. પોતાની પાર્ટીના ઘણા વલણથી અસહમતી દર્શાવી ચૂકેલા શત્રુઘ્ને પૂર્વ નાણામંત્રીની સલાહોને અવગણનારા ભાજપના મંત્રીઓ પર એમ કહીને નિશાન સાધ્યું છે કે, તેમણે જે કાંઇ કહ્યું છે તે પક્ષ અને દેશહિતમાં છે અને જો તેને અવગણવામાં આવે તો તે છોકરમત ગણાશે. ટિ્‌વટનો મારો ચલાવતા તેમણે લખ્યું કે, યશવંત સિંહા નાણામંત્રી રહી ચૂક્યા છે અને તેમની સલાહને આમ જ ન ફગાવી દેવાય. યશવંત સિંહા અને અરૂણ શૌરી બંને અનુભવી નેતાઓ છે અને તેઓ કોઇ આશા નથી રાખતા તથા મંત્રી બનવા નથી માગતા. તેમણે એમ પણ લખ્યું કે, વડાપ્રધાન મોદી વારંવાર કહતા રહે છે કે પાર્ટી કરતા મોટો દેશ છે. જે લોકો યશવંત સિંહાનો વિરોધ કરે છે તેઓ કરી શકે છે પરંતુ તેમના દ્વારા ઉઠાવાયેલા મુદ્દાઓ પર સવાલ ઉઠાવી શકતા નથી.
પિતાને જવાબ આપવા જયંત સિંહા પાસે લખાવાયેલો લેખ
પ્રકાશિત થતાં પહેલા જ નેશનલ હેરાલ્ડમાં લીક થયો

નવી દિલ્હી, તા. ૨૮
મોદી સરકારમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જયંત સિંહાએ ગુરૂવારે ૨૮ સપ્ટેમ્બરના રોજ એક અંગ્રેજી અખબારમાં એક લેખ લખ્યો હતો જેમાં વર્તમાન અર્થવ્યવસ્થાની ટીકા કરનારાઓને ખોટા ગણાવાયા છે. જોકે, આ લેખ છપાયા પહેલા જ એક દિવસ પહેલા જ એટલે કે, ૨૭મી સપ્ટેમ્બરની રાતે કોંગ્રેસના અખબાર નેશનલ હેરાલ્ડમાં લીક થઇ ગયો હતો. નેશનલ હેરાલ્ડમાં બુુધવારે રાતે પ્રકાશિત લેખમાં દાવો કરાયો હતો કે, જયંત સિંહાને તેમના પિતા યશવંત સિંહા દ્વારા મોદી સરકારની નીતિઓ, નાણા મંત્રી અરૂણ જેટલી અને ભારતીય અર્થવ્યવસ્થાની ટીકા કરનારા લેખને વખોડવા માટે જણાવ્યું છે. ગુરૂવારે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં જયંત સિંહાનો લેખ છપાયો જેમાં તેમણે મોદી સરકારની નીતિઓ અને દેશની આર્થિક હાલતની ટીકા કરનારાઓને ખોટા ઠેરવ્યા છે. જયંત સિંહાએ પોતાના લેખમાં કોઇનું નામ લીધું નહોતું. જયંતે પોતાના લેખમાં લખ્યું છે કે, ભારતીય અર્થવ્યવસ્થાના બદલાતા ચહેરા અંગે તાજેતરમાં જ ઘણા લેખ પ્રકાશિત થયા છે. દુર્ભાગ્યવશ આ લેખો ઘણા ઓછા તથ્યોનું સરળીકરણ કરે છે અને ભારતીય અર્થવ્યવસ્થાના મૂળભૂત ફેરફાર પર તેમની નજર જતી નથી. એટલું જ નહીં એક કે બે ત્રિમાસિકના જીડીપીના વિકાસ દર અને અન્ય આંકડાઓ ભારતીય અર્થવ્યવસ્થાના મૂલ્યાંકન માટે પૂરતા નથી. આમાં મૂળભૂત ફેરફારોની લાંબાગાળાની અસરો દેખાતી નથી. જયંત સિંહાએ પોતાના લેખમાં પિતાનું નામ નથી લીધું પરંતુ નેશનલ હેરાલ્ડે દાવો કર્યો છે કે, જયંતને પિતાના લેખનો જવાબ આપવા માટે ભાજપ અને મોદી સરકારના ટોચના લોકોએ કહ્યું હતું.
જયંત સિંહાની દલીલો યોગ્ય હોય તો
જીડીપીમાં સતત ઘટાડો કેમ ? : ચિદમ્બરમ


નવી દિલ્હી, તા. ૨૮
પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાના પ્રહારોથી રઘવાઇ બનેલા મોદી સરકારે પોતાના નાગરિક ઉડ્ડયન મંત્રી અને યશવંતના પુત્ર જયંત સિંહા પાસે જવાબી લેખ લખાવ્યો છે. યશવંતે પોતાના પિતાને લેક દ્વારા જ જવાબ આપ્યો છે. જોકે, આર્થિક નીતિઓના મોરચે સરકારની ટીકા પર યશવંતની પ્રશંસા કરનાર કોંગ્રેસે ફરી એકવાર જયંત સિંહા પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમે જયંતના લેખને પ્રેસ રીલિઝ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, જયંતને જાણ હોવી જોઇએ કે, વહીવટી ફેરફાર સંગઠનાત્મક સુધારા ગણાતા નથી. જો તેઓ સાચા છે તો પાછલી પાંચ ત્રિમાસિક દરમિયાન અર્થવ્યવસ્થામાં સતત ઘટાડો કેમ થયો, જો તેઓ સાચા છે તો ખાનગી રોકાણમાં વધારો કેમ ન થયો, જો તેઓ સાચા છે તો ઇન્ડસ્ટ્રી ક્રેડિટ ગ્રોથ નેગેટિવ કેમ છે ?
મોદીને મળવા સમય માંગ્યો હતો, એક વર્ષ બાદ પણ રાહ જોઉં છું, સરકાર મૌન રહેતાં બોલવું પડ્યું
મોદી સરકારની આર્થિક નીતિઓને લઈ આલોચના કરી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાએ જાણીતી ન્યૂઝ ચેનલને આજે આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેમણે વડાપ્રધાન મોદીથી મળવા માટે એક વર્ષ પહેલાં સમય માંગ્યો હતો. પણ તેમણે સમય ન આપ્યો, એક વર્ષ બાદ પણ રાહ જોઉં છું, ત્યારબાદ તેમણે જણાવ્યું કે, જો એ વખતે તેમણે સમય ન આપ્યો તો શું હું ધરણા પર બેસી જાત ? યશવંતસિંહાએ કહ્યું કે, ૪૦ મહિના સુધી સરકારમાં રહ્યા બાદ મોદી સરકાર હવે ગત સરકાર પર દોષનો ટોપલો ન આપી શકે. નોંધનીય છે કે, પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાએ અંગ્રેજી અખબારને આપેલ ઈન્ટરવ્યૂમાં એનડીએ સરકારની આર્થિક નીતિઓની આલોચના કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks