(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૩
નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ ખાતે એક કાર્યક્રમમાં બોલતા રાષ્ટ્રીય ગૌધન મહાસંઘના કન્વીનર વિજય ખુરાનાએ કહ્યું કે, રાજસ્થાનમાં ગાયો પર થયેલા અત્યાચાર માટે વસુંધરા રાજે સરકારને જવાબદાર ઠેરવવી જોઈએ. દેશભરના ગૌરક્ષક સંઘોએ ભારતીય જનતા પાર્ટીને ચેતવણી આપી હતી કે જો તેઓ ગાયોના કલ્યાણ માટે કામ નહીં કરે તો રાજ્યોની ચૂંટણીઓ અને ર૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં ખતરનાક પરિણામોનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે, દેશમાં આ મુદ્દે ભારે નારાજગી છે. મધ્યપ્રદેશ-રાજસ્થાનના લોકોની ગાય પ્રત્યેની ઊંડી લાગણી છે. પરંતુ ભાજપે માત્ર ગાયોના કલ્યાણ માટે વાતો જ કરી છે અને તેનો રાજકીય ફાયદો ઉઠાવ્યો છે. ગૌધન મહાસંઘ દેશના વિવિધ ગૌરક્ષક સંઘોનું નેતૃત્વ કરે છે. આરએસએસ સાથે જોડાયેલું છે. રાષ્ટ્રીય ગૌધન મહાસંઘે દાવો કર્યો કે, તેમની પાસે ૧૦ કરોડ ગૌરક્ષક છે. જેમાં ૮પ૦ પૂર્ણ સમયના છે. તેમણે વસુંધરા રાજે પર ગૌરક્ષા અંગે બેદરકારી બદલ સીધા પ્રહારો કર્યા હતા. રાજસ્થાનમાં દેશમાં સૌથી વધુ ગૌરક્ષકો છે. દેશની મોટી ગૌશાળા છે. જલારોમાં ૧.પ લાખ ગાયો ગૌશાળામાં છે. તેમ છતાં ગાયોની ઉપેક્ષા થાય છે. ગૌશાળાને ફંડ અપાતું નથી. તેઓ દેશભરના ગૌરક્ષકો, સંતો, સંઘના નેતાઓ, નિવૃત્ત સરકારી અધિકારીઓ સમક્ષ બોલી રહ્યા હતા. ખુરાનાએ કહ્યું કે, અમારી ચળવળ બિનરાજકીય છે. અમારી ગાયોના કલ્યાણની ચિંતા છે. એનિમલ વેલ્ફેર બોર્ડના ચેરમેન એસ.પી. ગુપ્તાએ કહ્યું કે સરકાર નવા લાયસન્સ આપશે. ગૌરક્ષકોની કાર્યવાહી સામે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગૌરક્ષકોને નવા ઓળખપત્ર અપાશે. ગુપ્તાએ લાયસન્સના દુરૂપયોગને રોકવા લાયસન્સ રદ કર્યા હતા.