અમદાવાદ,તા.ર૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પર આ વખતે આખા દેશનું ધ્યાન છે ત્યારે ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસ બન્ને એડી-ચોટીનું જોર બતાવી રહ્યા છે. ત્યારે પોતાના પ્રચારને વેગ આપવા ભાજપે જાદુગરનો હાથ પકડયો છે. ભાજપે ચૂંટણી પ્રચાર માટે ૩૬ જેટલી જાદુગરોની ટીમો ઉતારી છે જે ગ્રામ્ય વિસ્તારની ૧૪૪ બેઠકોના મતક્ષેત્રમાં ભાજપ તરફી મતદાન કરવા મતદાતાઓને આકર્ષવા જુદા જુદા ખેલ બતાવશે. જો કે જુદા જુદા માધ્યમોમાં આ સમાચારો ફેલાતા આ વખતે મોદી મેજિક ન ચાલતા ભાજપે જાદુગરો બોલાવ્યાની ચર્ચાઓ પણ ઉઠવા પામી હતી.
ગુજરાતના રાજકારણમાં ભાજપ દ્વારા સૌપ્રથમવાર જાદુગરો દ્વારા ચૂંટણી પ્રચારનો નવતર પ્રયોગ થવા જઈ રહ્યો છે. ગુજરાતના રાજકારણના ઈતિહાસમાં સૌપ્રથમવાર કોઈ રાજકીય પક્ષ દ્વારા પ્રચાર માટે જાદુગરોનો પ્રયોગ થઈ રહ્યો છે. આવતીકાલથી ભાજપના જાદુગરોની ૩૬ ટીમો ગુજરાતભરમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ભાજપના જાદુગરો ગ્રામ્ય વિસ્તારની ૧૪૪ બેઠકોના મત ક્ષેત્રમાં જાદુના ખેલ અને પ્રયોગો દ્વારા ગુજરાતના વિકાસ, ભાજપના પ્રચાર અને વધુમાં વધુ મતદાન કરવાના સંદેશા અને વાતને જન-જન સુધી રજૂ કરશે. ભાજપ દ્વારા આ માટે જાદુગરોને ખાસ સૂચનાઓ અને કાર્યક્રમના પ્લાનિંગ વિશે પણ વાકેફ કર્યા છે. આ અંગે ભાજપ પ્રચાર-પ્રસાર વિભાગના કન્વીનર દક્ષેશ શાહ અને પ્રવકતા ડો. જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતની જનતાને મતદાન માટે અસરકારક રીતે સંદેશો આપી શકાય અને લોકોમાં મતદાન પરત્વે જાગૃતિ કેળવાય તેવા ઉમદા આશય સાથે ભાજપ દ્વારા સૌપ્રથમવાર જાદુગરોની મદદ લેવાઈ છે. જાદુગરોના ખેલ અને પ્રયોગનું માધ્યમ લોકોને સંદેશો આપવા માટેનું અસરકારક માધ્યમ બની રહેશે. આ જાદુગરોની સાથે ભાજપના સ્થાનિક કાર્યકરો અને આગેવાનો ૧૦થી રાત્રે ૮ દરમ્યાન ભાજપના જાદુગરો કુલ ૮ શો યોજશે.
અત્રે નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી ભાજપ ગુજરાતમાં પાટીદાર દલિત સહિતના આંદોલનોનો સામનો કરી રહ્યો છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મોટા નેતાઓથી રેલીઓ અને સભાઓમાં પાંખી હાજરી અને ખુરશીઓ ખાલી રહેવાની બાબતો સામે આવી હતી. બીજી તરફ અનેક સ્થાનિક નેતાઓનો પણ વિરોધ થયો છે. ત્યારે ભાજપે પ્રચારમાં જાદુગરોને ઉતરવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે જો કે આ સમાચારો પ્રજા સુધી પહોંચતા કેટલીક જગ્યાએ મોદીનું મેજિક ન ચાલતા ભાજપ જાદુગરોના શરણે તો નથી ગયું ને ? તેવી લોકચર્ચાઓ ઉઠવા પામી હતી આ જાદુગરોનો જાદુ કેટલો ચાલે છે એ તો ચૂંટણીના પરિણામો પછી જ ખબર પડશે.