(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૦
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ બરોબર જામ્યો છે. રાજકીય પક્ષો દ્વારા જાહેર થયેલા ઉમેદવારો પોતાના સમર્થકો સાથે વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવવા નીકળી પડ્યા હતા. ખાસ કરીને ભાજપે જાહેર કરેલા ઉમેદવારો દ્વારા આજે પોતાની ઉમેદવારી નોંધાવવામાં આવી હતી.
સુરત શહેર પશ્રિમ વિધાનસભાની બેઠકના ભાજપ ઉમેદવાર પૂર્ણેશ મોદી આજે વિવેકાનંદ બ્રિજ પરની કોર્પોરેટર નિરવ શાહની ઓફિસ પાસે વિશાળ જનસમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા માટે નીકળ્યા હતાં. ત્યારબાદ તેઓનું સરઘસ ડચ ગાર્ડન પાસે પહોંચ્યું હતું. જ્યાં ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદીએ પશ્ચિમ વિધાનસભા બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે વરાછા રોડ વિધાનસભા બેઠક ઉપરથી કુમાર કાનાણીએ પણ સમર્થકો સાથે વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવી હતી. ઉત્તર વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર કાંતિ બલરે પણ આજે ઉમેદવારી નોંધાવી હતી.
ઓલપાડ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર મુકેશ પટેલ, ચોર્યાસી બેઠક ઉપરથી ઝંખના પટેલ, મજૂરા બેઠક ઉપરથી હર્ષ સંઘવીએ પણ પોતાના સમર્થકો સાથે વિશાળ રેલી આકારે વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી હતી. લીંબાયત બેઠક ઉપરથી સંગીતાબેન પાટીલે પણ ઉમેદવારી નોંધાવી હતી. સુરત જિલ્લાના માંગરોલ બેઠક ઉપરથી ગણપત વસાવાશ્વ, બારડોલી બેઠક ઉપરથી ઈશ્વર પરમાર, નિઝર બેઠક ઉપરથી કાન્તિ ગામિત સહિતના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આમ, આજે સુરત શહેર જિલ્લાની તમામ બેઠકો ઉપરથી ભાજપે જાહેર કરેલા તમામ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે.