અમદાવાદ, તા.૧૭
વિકાસ અને સુજલામ સુફલામની મોટી મોટી વાતો કરતી ભાજપ સરકારે છેલ્લા બે દશકા દરમિયાન જો ગુજરાતમાં વિકાસ કર્યો હોત તો ભાજપના શાસનમાં ર૭૧૮ ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો ના આવ્યો હોત. ખેડૂતોની સરેરાશ માસિક આવકમાં દેશમાં ૧રમો ક્રમ ધરાવતા ગુજરાતમાં ખેડૂતોની માસિક આવક માત્ર રૂા.૭૯ર૬ કેમ ? તેવો પ્રશ્ન કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો.હિમાંશુ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસનાં કરેલા પોકળ દાવાને પરંપરાગત જુઠ્ઠાણા ગણાવતા જણાવ્યું છે કે ક્રાંતિ નામની સંસ્થાને રાજ્યના પોલીસ મહાનિર્દેશકે આર.ટી.આઈ.માં આપેલી વિગતો પ્રમાણે તા.૧/૧/ર૦૦૩થી તા.૩૦/૧૦/ર૦૦૭ દરમિયાન રાજ્યના ર૪૭૯ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જ્યારે તા.૧/૧/ર૦૦૮થી ૧૮/૮/ર૦૧ર દરમિયાન ૧પર અને તા.૧/૧/ર૦૧૩થી તા.૧/૬/ર૦૧૬ દરમિયાન ૮૭ ખેડૂતોએ ભાજપ સરકારની ખેડૂત અને કૃષિ વિરોધી નીતિના કારણે આર્થિક ભીંસમાં જીવનલીલા સંકેલવી પડી છે. જો મોદી શાસનમાં વિકાસ જ થયો હોત તો ગુજરાતમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક માત્ર રૂા.૭૯ર૬ જ કેમ છે ? ખેડૂતો મારૂતિ ફેરવશે અને નળમાં તેલ આવશે એવી ગુલબાંગો હાકનાર મોદી શાસનમાં જ ગુજરાતના ૪ર.૬ ટકા ખેડૂતોમાં પરિવારદીઠ રૂા.૧૬.૭૪ લાખનું દેવું છે. જેમાં એક હેક્ટરથી ઓછી જમીન ધરાવતા પરિવારના માથે સરેરાશ દેવું રૂા.૪૩૬૦૦ છે તો બેથી ચાર હેક્ટર જમીનવાળા પરિવારના માથે સરેરાશ ૮ર,૬૦૦ અને ૧૦ હેક્ટરથી ઓછી જમીનવાળા પરિવારને તો સરેરાશ રૂા.૧,૬ર,૪૦૦નું દેવું છે. લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં બણગાં ફૂંકનાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી છેલ્લા બે વર્ષમાં ગુજરાતના ખેડૂતોની કુલ આવકમાં રૂા.૩૩૪પ કરોડનો ઘટાડો થયો છે. એ જ રીતે લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોને પાક તૈયાર કરવાના કુલ ખર્ચ ઉપરાંત પ૦ ટકા નફા સાથે ટેકાનો ભાવ આપવાનું જણાવનાર નરેન્દ્ર મોદીએ આ પ્રમાણે ટેકાના ભાવ વધાર્યા હોત તો એકાદ રાજ્યનું પણ ઉદાહરણ બતાવે. સુજલામ્ સુફલામ્ યોજના અને તાડપત્રીમાં થયેલા ભ્રષ્ટાચારના અહેવાલ પણ વિધાનસભામાં નહીં મૂકવા દેનાર વડાપ્રધાન પોતે જ જાણે છે કે સુજલામ્ સુફલામ્ યોજનાથી ખેડૂતોને કે મળતિયાઓને કેટલો લાભ થયો છે.