(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૮
તા.ર૮મી ડિસેમ્બર ૧૮૮પના રોજ કોંગ્રેસપક્ષની સ્થાપના થઈ હતી તેને આજે ૧૩ર વર્ષ પૂર્ણ થતા તેમજ કોંગ્રેસ સેવાદળને ૯૪ વર્ષ પૂર્ણ થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ઉપસ્થિત કાર્યકરોને જણાવ્યું હતું કે માત્ર સત્તા માટે ચૂંટણી પૂરતું કામ કરવું જરૂરી નથી હવે ચૂંટણી સિવાયના કાર્યક્રમોમાં પણ તન, મન, ધનથી જોડાવવું પડશે. આપણે લોકહિતના કામો માટે હંમેશા તત્પર રહેવું પડશે. ભાજપ પર નિશાન તાકતા ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે હાલનો શાસકપક્ષ ભાજપ ફાસિસ્ટ પદ્ધતિથી કામ કરી રહ્યો છે. આવનારા દિવસોમાં તેઓ અંગ્રેજો જેવું શાસન ચલાવે તો નવાઈ પામવા જેવું નહીં હોય. કોંગ્રેસે તો આઝાદીની લડતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસના નેતાઓએ દેશની આઝાદી માટે કરેલી હાકલને પ્રજાએ નતમસ્તકે ઉપાડી લીધી હતી. પરિણામે સૌના સહિયારા પ્રયાસથી આપણને આઝાદી મળી છે ત્યારે સવા સદીથી વધુ જૂની કોંગ્રેસને વધુ મજબૂત બનાવવી પડશે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસ સમિતિ ખાતે કોંગ્રેસપક્ષનો ધ્વજ લહેરાવી સેવાદળના મુખ્ય સંગઠક મંગળસિંહ સોલંકીની આગેવાનીમાં સેવાદળના સૈનિકોએ સલામી આપી હતી. સલામી આપ્યા બાદ પ્રદેશ પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે જો વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ જીત્યુ હોત તો પોતાના ચૂંટણી ઢંઢેરાના અમલ માટે ગંભીરતાથી પગલા લેત. દાદાગીરી અને અધિકારીઓની જોહુકમી સામે આપણે જે રીતે લડ્યા તે માટે કાર્યકરો અભિનંદનને પાત્ર છે હારના કેટલાક કારણો જગજાહેર છે જ્યારે કેટલાક કારણો માઈક્રોસ્કોપથી શોધવા પડશે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો તથા સેવાદળના સૈનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.