(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૩૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનોે રાજકીય ધમધમાટ શરૂ થઈ ગયો હોય તેમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આંટા-ફેરા વધી જવા પામ્યા છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ ફરી એકવાર તા.૧૦મીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આગામી ચૂંટણી માટે ‘ગર્જે ગુજરાત’ના સૂત્ર સાથે રાજ્યમાં ચૂંટણી પ્રચારનો વિધિવત પ્રારંભ કરશે. આ સાથે ભાજપ દ્વારા રાજ્યવ્યાપી પ્રચાર અભિયાન હાથ ધરવાની કવાયત પણ શરૂ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે. અમિત શાહે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પેઈજ પ્રમુખ સંમેલનો જુલાઈમાં સંપન્ન કર્યા હતા. ઉત્તર ગુજરાતના સંમેલન પૂર્વે જ બનાસકાંઠા અને પાટણમાં અતિવૃષ્ટિથી આ સંમેલન યોજાયું ન હતું. હવે પેઈજ પ્રમુખ સંમેલન અથવા તો પ્રબુદ્ધ નાગરિકોના મહાસંમેલન યોજીને અમિત શાહના હસ્તે જ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે ગુજરાત એકમે હજુ આ અંગે વિધિવત સ્પષ્ટતા કરી નથી. અહીં નોંધવું જરૂરી છે કે, ૧૩-૧૪ સપ્ટેમ્બર તેમજ ૧૭ સપ્ટેમ્બર એમ બે વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સરકારી કાર્યક્રમોમાં હાજરી આપવા આવી રહ્યા છે. ૧૩-૧૪ સપ્ટેમ્બર દરમિયાન જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે તેમજ ૧૭મીએ વડાપ્રધાન મોદી પોતાના જન્મદિને નર્મદા ડેમનું રાષ્ટ્રને લોકાર્પણ કરશે. સપ્ટેમ્બરમાં જ ૫થી ૧૫ દરમિયાન ભાજપ સરકાર મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના વડપણ હેઠળ નર્મદા યાત્રા યોજી રહી છે. આ પછી ઓક્ટોબરમાં ભાજપ દ્વારા ૧૮૨ બેઠકોને આવરી લેતી યાત્રા પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન પટેલના વડપણ હેઠળ શરૂ થઈ રહી છે.