(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૦
કોંગ્રેસ પક્ષ સર્વધર્મ સમભાવમાં માને છે. ધર્મ અમારા માટે શ્રદ્ધા અને આસ્થા છે જ્યારે ભાજપ માટે ધર્મ એ વેપાર અને સત્તા મેળવવા માટેનું સાધન છે. રામમંદિર માટે શ્રદ્ધા અને આસ્થા સાથે ઈંટ અને નાણાં આપનાર દેશના લાખો શ્રદ્ધાળુ ભાઈ-બહેનોની શ્રદ્ધા અને લાગણીઓ સાથે નોટ અને વોટ માટે રમત રમનાર અને છેતરપિંડી કરનાર ભાજપ અને ભગીની સંસ્થાઓ જવાબ આપે કે રામમંદિર માટે એકઠા થયેલા ૧૪૦૦ કરોડ રૂપિયાના હિસાબ નિર્મોહી અખાડાએ માગ્યો ત્યારે ભાજપ કેમ મૌન છે ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ માટે હંમેશા રામ રાગ સત્તા મેળવવાનું સાધન રહ્યું છે. ભાજપના અયોધ્યાના પૂર્વ સાંસદ રામવિલાસ વેદાંતીએ પણ સ્પષ્ટપણે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે રામમંદિરના નામે ભાજપ માત્ર અને રાજકીય રોટલી શેકી રહી છે. ભગવાન રામ અને દેશની જનતાની ભાવના અને શ્રદ્ધા સાથે છેતરપિંડી કરનાર ભાજપ માટે હંમેશા ધર્મ એ સત્તાની ખુરશી મેળવવા માટેનું માધ્યમ છે અને સ્ટીંગ ઓપરેશનમાં એવી વાત આવી છે કે, ભાજપ અને ભાજપના નેતાઓ જ ઈચ્છતા નથી કે મંદિર અંગે કોઈ સમાધાન કે ઉપાય થાય. ભાજપ માટે ધર્મ, મંદિર એ નોટ અને વોટ માટેનું માધ્યમ રહ્યું છે.