National

ભાજપ ભારતમાં નહેરૂના યોગદાનને સ્વીકારવા તૈયાર નથી

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના સ્વાતંત્ર્ય દિન ઉદ્‌બોધનમાં પરંપરાગત અને આધુનિક વચ્ચે સંતુલન સાધવાના નહેરૂના પ્રયાસોની વાત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં બ્રિટિશ શાસન વિરૂદ્ધ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન વિવિધ નેતાઓએ આપેલા યોગદાન અને બલિદાનની પણ વાત કરી હતી.
તેમણે સ્વતંત્ર ભારતના નિર્માણમાં સરદાર પટેલ અને ડો. બી.આર.આંબેડકરના યોગદાનને પણ યાદ કર્યું હતું. જો કે રાષ્ટ્રજોગ રાષ્ટ્રપતિના પ્રવચનથી વિરૂદ્ધ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ૧૨ ઓગસ્ટના રોજ બેંગ્લોરમાં પોતાના ઉદ્‌બોધનમાં એવો આક્ષેપ કર્યો હતો કે નહેરૂએ પશ્ચિમી વિચારો ઉછીના લઈને ભારતના ભવ્ય ભૂતકાળની ઉપેક્ષા કરી હતી.
એ જ રીતે એક લોકપ્રિય ટીવી ચેનલે ભારતની વ્યૂહાત્મક નિષ્ફળતા તેમજ કાશ્મીર જેવા વિવાદ માટે નહેરૂ કઈ રીતે જવાબદાર હતા તેનું પણ પ્રસારણ કર્યું હતું. હાલના રાજકીય માહોલમાં નહેરૂવાદી રાજકીય વિરાસતનું વિશ્લેષણ કરવાનું બૌદ્ધિક રીતે અનિવાર્ય બની ગયું છે. એક જ રાજકીય પ્લેટફોર્મ શેર કરતા હોવા છતાં રામનાથ કોવિંદના ઉદ્‌બોધનમાં સર્વસમાવેશક ભારતની રચના કરવા માટેનો અનુરોધ હતો.
જો કે નહેરૂ ભારતીય વિચારોની વિરૂદ્ધ હતા એવું કહેવું અત્યારે કવેળાનું છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું તેમ નહેરૂ પરંપરાગત અને આધુનિકના આદર્શ મિશ્રણને સિદ્ધ કરવાના સમર્થનમાં હતા. નહેરૂના મતે રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં બંને જરૂરી છે. ભાજપના પ્રમુખે પણ પોતાના ભાષણમાં કબૂલ્યું હતું કે ભાજપ આધુનિકની વિરૂદ્ધ નથી પરંતુ ભારતીય વિચારોની મહાનતામાં પણ માને છે.
આધુનિકતા એ એવી વિચારધારા છે જે વૈજ્ઞાનિક તર્ક અને અંધશ્રદ્ધા પર પ્રયોગશીલતામાં માને છે. નહેરૂ પણ આધુનિકતાની વિરૂદ્ધ ન હતા પરંતુ આધુનિકતાના વિચારના આંધળા અનુસરણની વિરૂદ્ધ હતા. કોવિંદે જણાવ્યું તેમ તેઓ આધુનિકતા સાથે કદમ મિલાવે એવી પરંપરાના સમર્થનમાં હતા. આમ નહેરૂના વિચારોને રાષ્ટ્ર નિર્માણ માટે સ્વીકારવા રહ્યા તેમજ તેમના યોગદાનને પણ સ્વીકારવંુ રહ્યું. ભાજપે રાષ્ટ્રપતિ જેવા તેના વરિષ્ઠ નેતાઓ પાસેથી શીખવાની જરૂર છે અને પરંપરાગત ભારતીય મૂલ્યો માટે આદર દર્શાવવા આવા યોગદાનને સ્વીકારવાની પણ આવશ્યકતા છે.