(એજન્સી) તા.૬
જ્યારે એકતરફ શિવસેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેની પાસે કોઈ વિકલ્પ નથી અને તે ભારતીય જનતા પક્ષ સાથે ગઠબંધન કરશે ત્યારે ભાજપ હિન્દુત્વ મુદ્દે ગંભીર જણાય છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પક્ષનું નેતૃત્વ કરી રહ્યાં છે અને તેઓ ૪૮ લોકસભા સીટો પર પક્ષનું નેતૃત્વ કરશે. નામ ન જાહેર કરવાની શરતે એક ભાજપના નેતા અને રાજ્યના મંત્રીએ કહ્યું હતું કે અમે બે રણનીતિને અમલી બનાવવા જઈ રહ્યાં છીએ. અમે વિધાનસભા તથા લોકસભા બંનેમાં શિવસેનાને સાથે લઈને આગળ વધીશું. તેમણે કહ્યું કે અમે ગઠબંધન માટે કોઇ અપીલ કરવાના નથી. અમે સીધા મતદાતાઓ સુધી પહોંચીશું અને તેમને જણાવીશું કે છેલ્લા ચાર વર્ષોમાં વર્તમાન સરકારે કઈ કઈ અને કેવી કામગીરી કરી છે. જો જરૂર પડશે તો અમે ૪૮ સીટો પર એકલા લડવા માટે પણ તૈયાર છીએ. તેમણે કહ્યું કે ભાજપને વિશ્વાસ છે કે શિવસેના હિન્દુત્વના મુદ્દે તેમને સાથ આપશે. શિવસેના પણ અનેકવાર હિન્દુત્વનો મુદ્દો ઉઠાવી જ ચૂકી છે. છેલ્લા ચાર વર્ષોમાં મોદીજી અને ભાજપની ટીકા કર્યા બાદ હવે શિવસેના પાછી ફરવા માગે છે અને કવર કરવા માગે છે. જોકે હવે તેની પાસે પણ હિન્દુત્વનો જ મુદ્દો છે જે તેની વાપસી કરાવી શકે છે અને આ જ કારણ હતું કે ઉદ્ધવ ઠાકરે સાહેબ અયોધ્યા જઈ રહ્યાં છે. જોકે કોંગ્રેસ અને એનસીપીના એલાયન્સનું ગઠબંધન થાય તો ભાજપ તેનો સામનો કરવા માટે શિવસેનાને પોતાની સાથે રાખવા જરૂર માગે છે. હાલમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન કરવા માટે વાતચીત ચાલુ જ છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ આ મામલે પુષ્ટિ કરી ચૂક્યાં છે. જોકે બંને પક્ષો પોતાના મતભેદોને દૂર કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું છે કે તેઓ ચૂંટણી પહેલા જ સાથે આવી શકે છે.