બળવાખોર બાવળિયાને મંત્રીપદ ફાળવાતાં ભાજપમાં બળવાની શક્યતા

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મંગળવારે રાજભવનમાં યોજાયેલા સમારોહમાં કુંવરજી મોહનભાઈ બાવળિયાને રાજ્યના મંત્રી તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે ૪.૦૦ વાગ્યે શપથવિધિ સમારોહ યોજાયો હતો. પોલીસ બેન્ડ પર રાષ્ટ્રગીતની સુરાવલી પછી શપથવિધિનો પ્રારંભ થયો હતો. રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે કુંવરજી બાવળિયાએ પદ અને ગુપ્તતાના શપથ ગુજરાતીમાં લીધા હતા. શપથવિધિ સંપન્ન થતાં રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મંત્રી કુંવરજી બાવળિયાને શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.

અમદાવાદ,તા.૩
કોંગ્રેસના કદાવર નેતા કુંવરજી બાવળિયાએ કોંગ્રેસથી બળવો કરીને મંગળવારે ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયાના કલાકોમાં જ બાવળિયાને મંત્રીપદ અપાતા ભાજપના ધારાસભ્યોમાં જ અસંતોષની લાગણી જોવા મળી રહી છે. કેમ કે છેલ્લા કેટલાય સમયથી ભાજપમાં વરિષ્ઠ ધારાસભ્યો નારાજ છે. ત્યારે અચાનક પાટલી બદલીને આવેલા કોંગી નેતા કુંવરજી બાવળિયાને ભાજપ સરકારે સીધુ મંત્રીપદ ફાળવી દેતા ભાજપના નારાજ ધારાસભ્યોમાં એવી લાગણી પ્રવર્તિ છે કે ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો. જો કે કોંગ્રેસના બળવાખોર બાવળિયાને ગુજરાત સરકારમાં મંત્રીપદ ફાળવાતા હવે ગુજરાતની ભાજપ સરકારમાં પણ નારાજ ધારાસભ્યો બળવો કરે તેવી શકયતા સેવાઈ રહી છે.
ગુજરાતમાં ભાજપના અનેક સિનિયર ધારાસભ્યોને મંત્રી ન બનાવવામાં ન આવતા રૂપાણી સરકારની રચના સમયથી જ ધારાસભ્યોમાં નારાજગી હતી. તેવા સમયે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા કુંવરજી બાવળીયાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવતા ભાજપમાં ફરી એકવાર નારાજગી ઉભી થઇ છે. એને એમાં પણ ભાજપના કદાવર કોળી નેતા પુરૂષોત્તમ સોલંકી જેઓ હાલ વિદેશમાં પોતાની સારવાર કરાવવા ગયા હતા તે તત્કાલ પરત ફરી રહ્યા હોવાની માહિતી મળી છે. અને સુત્રોના જણાવ્યા અનુંસાર તેઓએ પાતાના અંગત સુત્રો સમક્ષ નારાજગી વ્યક્ત કરી હવે લડીલેવાની તૈયારી બતાવી હોવાના અહેવાલ મળ્યા છે જો કે પરસોત્તમ સોલંકી અગાઉ સારા ખાતાની માગ કરી ચૂકયા છે પરંતુ તેમને કોરાણે મૂકી દેવાયા છે. આ ઉપરાંત ખાસ કરીને વડોદરા જિલ્લાના ભાજપના ધારાસભ્યો અનેક વખત સરકારમાં વડોદરા જિલ્લાને મંત્રીપદ આપવા માટે રજૂઆતો કરી ચૂક્યા છે. આમ છતાં પણ તેમને મંત્રી પદ આપવામાં આવ્યું નથી. ગુજરાતની રૂપાણી સરકારમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ કેબિનેટમાં સ્થાન ન મળ્યું હોવાથી નારાજ નેતાઓની યાદીમાં સામેલ છે.
આ ઉપરાંત રૂપાણી સરકારમાં બાબુભાઈ જમનાદાસ પટેલ, જેઠા ભરવાડ સહિતના સિનિયર ધારાસભ્યોએ પણ મંત્રી પદ મેળવવા માટે અનેક વખત રજૂઆતો કરી છે, આમ છતાં મંત્રી પદ મળ્યું નથી. જ્યારે કોંગ્રેસમાંથી આયાત થયેલા અને ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી ચૂકેલા કુંવરજી બાવળીયાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવતા ભાજપના ધારાસભ્યો નારાજ થયા છે. જેને પગલે આગામી દિવસોમાં આ નારાજ ધારાસભ્ય ભાજપમાં ભડકો કરે તેવી શક્યતાઓ છે.ગત વર્ષના અંતમાં રૂપાણી સરકારની રચના બાદ ખાતા ફાળવણી થયા બાદ નાણાં ખાતું ન સોંપાતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આખો દિવસ ઓફિસમાં ગેરહાજર રહી નારાજગી વ્યક્ત કરી હતી. ત્યાર બાદ તેમની નારાજગી દૂર કરવા માટે ફરીવાર નાણાં ખાતું સોંપીને મનાવી લેવામાં આવ્યા હતા. આ સિવાય પણ તેઓ ઘણીવાર આડ કતરી રીતે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.આ સિવાય તાજેતરમાં વડોદરા સર્કીટ હાઉસમાં વડોદરા શહેર-જિલ્લાનાં ૩ ધારાસભ્યો એવા યોગેશ પટેલ, મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈનામદારે બંધ બારણે બેઠક કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. તેમજ આ ધારાસભ્યોએ મંત્રીઓ, સનદી અધિકારીઓ દ્વારા થતી ઘોર ઉપેક્ષાના કારણે ભેગા થયા હોવાની વાત મીડિયા સમક્ષ જણાવી હતી.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks