અમદાવાદ,તા.૩૦
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પાટીદાર આંદોલન છતાંય ચૂંટાઈને આવેલા અને આંદોલનને ઠાળે પાડવામાં મહત્વનો ભાગ ભજવનારા નિતિન પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા બાદ ખાતાની ફાળવણીમાં મહત્વના ખાતા ના સોંપાતા નીતિન પટેલ ભાજપથી નારાજ છે ત્યારે હાર્દિક પટેલે નીતિન પટેલને ઓફર કરી છે કે ભાજપમાં તેમને માન સન્માન મળતું ના હોય તો અમારી સાથે જોડાઈ જાવ. ૧૦ ધારાસભ્યો સાથે નીતિનભાઈ રાજીનામું આપે તો તે કોંગ્રેસને રજૂઆત કરશે. ભાજપથી નીતિન પટેલની નારાજગીને લઈને શનિવારે હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે નીતિન પટેલની નારાજગી મુદ્દે નિવેદન આપ્યું હતું કે જો નીતિન પટેલ ભાજપ છોડે તો તેમને ટેકો આપવા તૈયાર છું. હું તેમને મળવાનો પ્રયત્ન કરીશ. જો મારા એક નિવેદનથી તેમને ફાયદો થાય તો સારૂં છે જો કે નીતિન પટેલે સમાજના હીત માટે ભાજપમાંથી રાજીનામું આપી જાહેરમાં કહી દે કે હા પાટીદારોને અનામત મળવી જોઈએ. પાર્ટીની મર્યાદામાં રહીને તેઓ આવું કહી શકતા ન હતા. પરંતુ હવે જાહેરમાં આવું કહી દે તો અમે તેમની સાથે છીએ. જો તેઓ મને મળવા આવવા દેશે તો હું તેમને મળવા ચોક્કસ જઈશ. જો નીતિનભાઈને ફાયદો થતો હોય તો તેમને મળવા ચોક્કસ જઈશ. ભાજપમાં જો તેમનું માન સન્માન જળવાતું ન હોય તો તેમને પક્ષ છોડી દેવો જોઈએ. અને રાજય તેમજ સમાજ માટે નવી કારકિર્દી નવી ઈનિંગ્સની શરૂઆત કરવી જોઈએ. જો કે નીતિનભાઈ ૧૦ ધારાસભ્યો સાથે રાજીનામું આપે તો તે કોંગ્રેસને રજૂઆત કરશે અને રાજયમાં સુશાસન માટે લડત કરશે. એમ હાર્દિક પટેલે નીતિનભાઈને ભાજપથી નારાજ હોય તો વિપક્ષમાં જોડાવાની ખુલ્લી ઓફર આપી છે તેમજ નીતિનભાઈને મુખ્યમંત્રી બનાવવાની માંગ પણ કરી છે.
નીતિનભાઈ પાણીમાં બેસી જશે તો પાટીદારો હવે વિશ્વાસ નહીં કરે : હાર્દિક
નીતિન પટેલની નારાજગી મુદ્દે શિયાળાની ઋતુમાં રાજકીય ગરમી વધી ગઈ છે. ત્યારે આ રાજકીય ગરમીનો પારો વધુ ઉંચે જાય તેવું નિવેદન ફરી હાર્દિક પટેલે આપ્યું છે. હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને નિવેદન આપ્યું છે કે નીતિનભાઈ ભાજપ નહીં છોડી શકે કેમ કે અમિત શાહથી દબાવવું પડે છે. આ વખતે નીતિનભાઈ જો પાણીમાં બેસી જશે તો ગુજરાતના પાટીદારો તેમની ઉપર કયારેય વિશ્વાસ નહીં કરી.