(એજન્સી) જયપુર, તા.૩૦
ડિસેમ્બરમાં યોજાનાર રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના બરાબર થોડા સમય પહેલાં રાજ્યમાં રાજકીય પારો ગરમાયો છે. રાજ્યમાં તમામ રાજકીય દળો મતદાતાઓને લલચાવવા માટે જોરો-શોરોથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાનના બાંસવાડાના ભાજપા ધારાસભ્ય અને સરકારી મંત્રી ઘનસિંહે હિન્દુ-મુસ્લિમ અંગે એક નિવેદન આપ્યું છે. જેને લીધે ઘનસિંહની વિરૂદ્ધ બાંસવાડામાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
રાજસ્થાનના મંત્રી ઘનસિંહે શુક્રવારે એક સભાનું સંબોધન કરતાં કહ્યું હતું કે, રાજસ્થાનમાં જેટલા પણ હિન્દુ છે તે દરેક હિન્દુઓએ એકજૂટ થઈને ભાજપને મત આપવાનો છે. જો કોંગ્રેસ સાથે મળીને તમામ મુસ્લિમો મતદાન કરી શકે છે. તો તમામ હિન્દુઓ ભાજપને મત આપી શકે છે અને પ્રચંડ બહુમતથી ભાજપને જીતાડી શકે છે. ઘનસિંહના આ નિવેદન બાદ રાજ્યના રાજકારણનો પારો ગરમાયો છે. સિંહના નિવેદન પર વિવાદ સર્જાતા હવે પાર્ટી બચાવ કરવા પોતાનો પક્ષ રજૂ કરી રહી છે.