(એજન્સી) જોધપુર, તા.પ
ભાજપના પૂર્વ મંત્રી જશવંતસિંગના પુત્ર માનવેન્દ્રસિંગે સંકેત આપ્યો છે કે, તેઓ પિતાના પગલે ચાલશે અને આગામી ચૂંટણીમાં નવો રાહ અપનાવશે. ભાજપે જશવંતસિંગને પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ કર્યા હતા.
હાલમાં રાજ્યના મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિંયા દ્વારા રાજ્યમાં જનસંપર્ક યાત્રા દરમિયાન જોધપુર મત વિસ્તારમાં રાજે એ પ્રવેશ કર્યો ત્યારે ધારાસભ્ય માનવેન્દ્રસિંગની ગેરહાજરી જોવા મળી હતી. જે સંકેત આપે છે કે, તેમની કોઈ બીજી યોજના છે. તેમણે રર સપ્ટેમ્બરે જોધપુરમાં રેલીનું આયોજન કર્યું છે.
રેલી માટે રંગીન પોસ્ટરો છપાવ્યા છે. જેમાં પિતા જશવંતસિંગનો ફોટો છે. રેલીનું નામ સ્વાભિમાન રેલી રખાયું છે.
ર૦૧૪ની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસમાંથી પલ્ટી મારી ભાજપમાં આવેલા સોનારામ ચૌધરીને ટિકિટ આપી હતી અને જશવંતસિંગની અવગણના કરી હતી. સોનારામ જાટ કોમના છે. જે આ પ્રદેશમાં પ્રભાવ ધરાવે છે. રાજેએ જશવંતસિંગના નામની ભલામણ કરી હતી. તે સમયે જશવંતસિંગે કહ્યું હતું કે, ભાજપ આજે અટલ બિહારી વાજપેયી, અડવાણીજી અને ભૈરવસિંગ શેખાવત જેવા નેતાઓની કલ્પનાની પાર્ટી નથી રહી તેનું મને દુઃખ છે. હવે ભાજપ અને માનવેન્દ્રસિંગ વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. માનવેન્દ્રસિંગ કોંગ્રેસ સાથે જવા ઈચ્છતા નથી. તેઓ અપક્ષ રહી જંગ ખેલવા માંગે છે. તેમના પિતા જશવંતસિંગને ભાજપે ર૦૦૯માં પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા જ્યારે તેમણે પાકિસ્તાન સ્થાપક મોહંમદઅલી ઝિણાની તેમના પુસ્તકમાં પ્રશંસા કરી હતી. ૧૦ માસ બાદ પક્ષમાં પુનઃ સામેલ કરાયા હતા. ર૦૧૪માં અપક્ષ ચૂંટણી લડતા પુનઃ તેમને પક્ષમાંથી હાંકી કઢાયા હતા. જશવંતસિંગ હાલમાં કોમામાં સરી ગયા છે.