
(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૮
રાજ્યસભાની ખાલી પડનારી બેઠકોની ચૂંટણી માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થવાની સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના ધારાસભ્યો એક પછી એક પક્ષમાંથી રાજીનામા આપી રહ્યા છે. તો ભાજપ ગેલમાં આવી જઈ કોંગ્રેસના વધુ કાંગરા ખેરવવાની રાજનીતિ અપનાવી રહ્યું છે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વિધિવત રીતે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી હતી તો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલ બળવંતસિંહ રાજપૂતે પણ ભાજપના ત્રીજા ઉમેદવાર તરીકે ઉમેદવાર નોંધાવતા હવે ચૂંટણી જંગ રસપ્રદ બની રહે તેમ સ્પષ્ટ થઈ રહ્યું છે. કોંગ્રેસમાંથી પાંચ જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે અને વધુ ત્રણ ધારાસભ્યો તે માટે લાઈનમાં હોઈ કોંગ્રેસનું મોવડી મંડળ દોડતું થયું છે. વધુ ધારાસભ્યો તૂટે તે માટેના પ્રયાસો શરૂ કરી દેવાયા છે. તો બીજી તરફ ભાજપએ કોંગ્રેસના વધુ ધારાસભ્ય તૂટે તે માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. ભાજપે પોતાનો આ મનસૂબો બળવંતસિંહ રાજપૂતને ત્રીજા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી સ્પષ્ટ કરી દીધો છે. દરમિયાન ભાજપમાંથી અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રાજ્યસભા માટે ફાઈનલ થતાં બંનેએ આજે વિધાનસભા સચિવ સમક્ષ પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું.
આ બંને ઉમેદવારોની રાજયસભામાં જીત નિશ્ચિત છે. પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં થયેલા ક્રોસ વોટિંગ બાદ કોંગ્રેસની ચિંતા વધી છે. અહમદ પટેલ માટે આ ચૂંટણી જીતવી પ્રતિષ્ઠાના જંગ સમાન છે. ૮ ઓગસ્ટે યોજાનારી ચૂંટણી માટે કોંગ્રેસના વધુ ધારાસભ્યો તૂટે નહીં તેની મથામણની સામે ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો તોડવાના પ્રયાસો જોરશોરથી ચાલી રહ્યા છે.
ત્રણેય નેતાઓએ તેમની રાજયસભાની બેઠક માટેનાં સત્તાવાર ઉમેદવારીપત્ર ભર્યાં ત્યારે તેમની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પક્ષના પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, પ્રધાનમંડળના સભ્યો, સંગઠનના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રદેશ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવે આજના દિવસને અવસર ગણાવતા જણાવ્યું હતું કે ભાજપ રાજયસભાની ત્રણેય બેઠકો પર બહુમત સાથે વિજય મેળવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલા તેમની જાતે જ નિર્ણય લેશે. અમે કોઈ હોર્સ ટ્રેકિંગ કરતા નથી. સુશાસનની રાજનીતી સાથે જોડાવા માગે છે તે લોકો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે જણાવ્યંુ હતું કે દરરોજ કોંગ્રેસના ત્રણથી ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જશે : કોંગ્રેસના અમે સુપડા સાફ કરી નાખીશું : કોંગ્રેસના ૫૭ ધારાસભ્યોમાંથી અત્યાર સુધીમાં ૫ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે અને ત્રણ ધારાસભ્યો ગમે તે ઘડીએ ભાજપમાં જોડાઈ જશે.