(એજન્સી) તા.ર૭
રાજસ્થાન વિધાનસભામાં ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય ઘનશ્યામ તિવારીએ સોમવારે પાર્ટી અધ્યક્ષ અમિત શાહને રાજીનામું જમા કરાવ્યું હતું. સંઘ સાથે ૬૬ વર્ષ સુધી સંકળાયેલા તિવારીએ છેવટે ભાજપ છોડવાનો નિર્ણય કર્યો હતો. અમિત શાહને લખેલા પત્રમાં તિવારીએ કહ્યું હતું કે, રાજદમાં વસુંધરા રાજે દ્વારા મોટાપાયે કરવામાં આવતા ભ્રષ્ટાચાર તરફ મેં વારંવાર તમારું (અમિત શાહનું) ધ્યાન દોર્યું હતું. તેમણે પત્રમાં લખ્યું હતું કે, “રાજસ્થાન ભાજપને એક વ્યક્તિની અંગત દુકાનમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા વિશે મેં વારંવાર તમારું ધ્યાન દોર્યું હતું. પરંતુ તમે કોઈ પગલાં લીધાં નહીં. ઊલ્ટુંં જ્યારે તમે સત્તા પર આવ્યા તમે નિષ્ઠાવાન લોકોનું અનાદર કરી તેઓને બદનામ કરવાના પ્રયત્નો કર્યા” તિવારીએ કહ્યું હતું કે, “દેશમાં અને રાજ્યમાં હાલની સ્થિતિ‘અઘોષિત કટોકટી’ જેવી છે અને હાલની આ ‘અઘોષિત કટોકટી’ ઘોષિત થયેલી કટોકટી કરતાં વધારે ભયાનક છે” એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં તિવારીએ કહ્યું હતું કે, તેમના ભાજપ છોડવા પાછળ મુખ્ય બે કારણો છે : પ્રથમ કારણ એ છે કે છેલ્લા ચાર વર્ષથી પાર્ટીમાં સરમુખત્યારશાહી, અરાજકતા અને ભ્રષ્ટાચારે સ્થાન જમાવ્યું છે અને બીજું કારણ છે રાજ્ય તેમજ દેશમાં જાહેર થયેલી ‘અઘોષિત કટોકટી’ જ્યારે તિવારીને ‘અઘોષિત કટોકટીનો અર્થ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, “મને કટોકટી સમયની પરિસ્થિતિ યાદ છે, ત્યારે હું જેલમાં ગયો હતો અને મેં માર ખાધો હતો. હાલમાં પણ તેવી જ પરિસ્થિતિ છે. આ વાતનું કોઈ ઈન્કાર કરી શકતું નથી કે હાલની પરિસ્થિતિમાં ન્યાયતંત્ર, ધારાસભા અને મીડિયા પર આડકતરા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે જે કટોકટી દરમ્યાન લગાવવામાં આવેલા પ્રતિબંધો કરતાં પણ વધારે ભયાનક છે.