(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૨
આણંદના વલ્લભવિદ્યાનગર તેમજ તેની આસપાસના વિસ્તારમાં ભાજપના ખૂન અને ભ્રષ્ટાચારનો વિરોધ કરનાર એક વ્યકિતનું ભાજપ દ્વારા હત્યા કરવાનું કાવતરૂ રચાયું હોવાનો પત્ર બોરસદ નગરપાલિકાના ચીફ ઓફિસરને મળતા ચકચાર મચી જવા પામી છે, જે અંગે તપાસ કરવા માટે ચીફ ઓફિસરે બોરસદ ટાઉન પોલીસને પત્ર લખ્યો છે.
મળતી વિગતો અનુસાર બોરસદ નગરપાલિકાના ચીફ ઓફિસર હીરલબેન પટેલને સંબોધીને લખેલો એક પોષ્ટકાર્ડ આજે નગરપાલિકાના ટપાલ વિભાગમાં મળતા ટપાલ વિભાગનાં કર્મચારીએ આ પત્ર ચીફ ઓફીસર હીરલબેન પટેલને આપતા તેઓ આ પત્ર વાંચીને ચોંકી ઉઠયા હતા,પત્રમાં જણાવ્યા અનુસાર બીજેપી ભારતીયા જનતા પાર્ટીનાં ખુન અને ભ્રષ્ટાચારનો વિરોધ કરનાર એેક વ્યકિતનું ભાજપ દ્વારા વલ્લભવિદ્યાનગર અને તેની આસપાસનાં વિસ્તારમાં હત્યા કરવાનું કાવતરૂ થયેલ છે. જે તમારી જાણ અને કાર્યવાહી સારૂ તેમ લખીને આ પત્રમાં સીસી તરીકે વિજય પાન હાઉસ ઓપ.બસસ્ટેન્ડ બોરસદ,ડા.ધવલકુમાર પટેલ આઈએએસ કલેકટર, ડી.એમ આણંદ, હેતુ પટેલ ડીવાયએસપી આણંદ તેમજ સૌથી નીચે આપ સાહેબને તા.૫-૦૬-૧૭નાં રોજ પણ અગાઉ ટપાલ લખાયેલ છે, તેઓએ આ બાબતે બોરસદ ટાઉન પોલીસ મથકનાં પી.આઈને આજે પત્ર લખીને જણાવ્યું છે કે આ પોષ્ટકાર્ડમાં કોઈ વ્યકિતને જાન,જોખમની ગંભીરતા હોવાનું લખેલ છે અને અગાઉ પણ બોરસદ શહેરમાં ફાયરિંગની એક ઘટના બનેલ છે, આથી સામાન્ય માણસ દ્વારા લખવામાં આવેલા આ પોષ્ટકાર્ડમાં ચીફ ઓફિસર સુશ્રી હીરલ એચ.ઠાકરની શરૂઆતનું પ્રથમ વાકય અને પત્રમાં બોરસદ નગરપાલિકા ખાતે દબાણ હટાવો અને વિવિધ કાયદેસરની કાર્યવાહીનાં પગલે સાવધ રહેવા માટે આ બાબતની જાણ પોષ્ટકાર્ડ લખનારે કરી છે કે કેમ ? એ પણ તપાસનો વિષય છે,આથી આ બાબતને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે તેમજ તેઓએ આ પત્રની નકલ કલેકટર, પ્રાંત અધિકારી, અને પેટલાદ ડિવિઝનનાં ડીવાયએસપીને પણ મોકલી છે.
અગાઉ ધારાસભ્ય અમિત ચાવડાને પણ આ પ્રકારનો પત્ર મળ્યો હતો
આજથી ચાર પાંચ માસ પૂર્વે આ રીતનો પત્ર આંકલાવનાં ધારાસભ્ય અમિતભાઈ ચાવડાને પણ મળ્યો હતો, અને તેઓએ તે પત્ર આણંદનાં પોલીસ અધિક્ષકને આપીને તપાસ કરવાની માંગ કરી હતી, અને ત્યારબાદ આજે આ પત્ર બોરસદનાં ચીફ ઓફીસરને મળતા ચકચાર મચી જવા પામી છે. આ પોષ્ટકાર્ડ પર આણંદ પોષ્ટઓફીસનો તા.૧-૦૯-૨૦૧૭નો સીક્કો લાગેલો છે, તેમજ બોરસદ પોષ્ટઓફીસનો તા.૪-૦૯-૨૦૧૭નો સિક્કો લાગેલો છે,તેમજ આ પત્ર આણંદ નગરપાલિકામાં તા.૧૨-૦૯-૨૦૧૭નાં રોજ મળ્યો હતો.