ભાજપના ધારાસભ્યોને પક્ષની શિસ્તમાં રહીને મતદાન કરવા આડકતરી ચીમકી

અમદાવાદ, તા.૭
રાજયસભાની પ્રતિષ્ઠિત ચૂંટણીને લઇ ભાજપે તેની આગવી વ્યૂહરચના ઘડી નાંખી છે, જેના ભાગરૂપે આજે બપોરે ગાંધીનગર કમલમ્‌ ખાતે ભાજપના તમામ ધારાસભ્યોની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની, મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિતના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યોને પક્ષ તરફથી વ્હીપ, મતદાનના માર્ગદર્શન સહિતનો ફાઇનલ ટચ આપવામાં આવ્યો હતો. બેઠકમાં ભાજપના રાજયસભાના ઉમેદવારો અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બળવંતસિંહ રાજપૂતને મત આપવા તાકીદ કરાઇ હતી. બેઠકમાં ધારાસભ્યોને રાજયસભાની ચૂંટણીને લઇ મતદાનની પધ્ધતિ અને અંકગણિતની અટપટી વ્યવસ્થાની સમજ પણ પૂરી પાડવામાં આવી હતી. મતદાનને ગંભીરતાથી લેવા અને તેમાં સહેજપણ ચૂક ના થાય તેની તકેદારી રાખવા પણ તમામ ધારાસભ્યોને ખાસ તાકીદ કરાઇ હતી. ભાજપના અમિત શાહે ધારાસભ્યોને સંબોધન કરી રાજયસભાની ચૂંટણી અને તેના મતદાનની મહત્તા સમજાવી હતી. ધારાસભ્યોને રાજયસભાની ચૂંટણીને લઇ પક્ષના વ્હીપ, મતદાનની પ્રક્રિયા, મતદાન કેવી રીતે કરવુ અને કયા અંક પર મંજૂરીની મ્હોર મારવી, રાજયસભાનું અંકગણિત સહિતના મુદ્દાઓ પર જરૂરી નિર્દેશો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાજપના ધારાસભ્યોની આજની બેઠક ઘણી મહત્વની મનાઇ રહી છે કારણ કે, તેમાં ભાજપની રાજયસભાની ચૂંટણીની આખરી કૂટનીતિ ઘડાઇ હતી. કોંગ્રેસે પણ ભાજપની બેઠકને ગંભીરતાથી લીધી હતી કારણ કે, ભાજપ છેલ્લી ઘડીના મરણિયા પ્રયાસોમાં તેને કોઇપણ પ્રકારે નુકસાન ના પહોંચાડી જાય તેની વેતરણમાં હતી.
આ બેઠકમાં ભાજપના ધારાસભ્યોને વ્હીપ પ્રમાણે મતદાન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. પક્ષ પ્રમુખ અને મુખ્યમંત્રીએ ધારાસભ્યોને પક્ષની શિસ્તમાં રહીને મતદાન કરવા આડકતરી ચીમકી આપી હતી. ભાજપે આ વખતે કોંગ્રેસની સીટ હડપ કરવા માટે કોંગ્રેસના ધારાસભ્ય બળવંતસિંહને ફોડી લઈ ભાજપમાં લાવીને રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે વધારાના આ ઉમેદવારને રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે જીત અપાવવી તે માટેનું ગણિત માંડવાની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી. તેમજ ભાજપના તમામ ધારાસભ્યોને વિધાનસભાના દંડક દ્વારા વ્હીપ આપવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks