(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૧૩
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના મતવિસ્તારમાં આવેલી ધોળકા તાલુકા પંચાયત ઉપર આજે કોંગ્રેસ કબજો જમાવવામાં સફળ રહી છે. ધોળકા તાલુકા પંચાયતમાં આજે પ્રાંત અધિકારી ધવલભાઈ જાનીના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ત્રણ સભ્યો ગેરહાજર રહેતા ભાજપે ધોળકા તાલુકા પંચાયત પરથી સત્તા ગુમાવી દીધી છે. પ્રમુખ તરીકે ચંડીસરના દિવ્યાબેન સિસોદિયા અને ઉપપ્રમુખ તરીકે પીસાવાડાનાં કેજારભાઈ બારડ ચૂંટાઈ આવતા ધોળકા તાલુકા કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
ધોળકા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા આજે હાથ ધરાઈ હતી. કોંગ્રેસના દશ અને ભાજપના આઠ એમ કુલ અઢાર સદસ્યો હાજર રહ્યા હતા. જ્યારે ભાજપના ત્રણ સદસ્યો કાળુભાઈ રાઠોડ, લાભુબેન મકવાણા, કિશોરભાઈ પરમાર ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસના દિવ્યાબેન વિક્રમસિંહ સિસોદિયાને દશ મત મળ્યા હતા. ભાજપના ભાવનાબેન અજીતભાઈ રાઠોડને આઠ મત મળ્યા હતા. જેથી કોંગ્રેસના દિવ્યાબેન સિસોદિયા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ઉપપ્રમુખ માટે કોંગ્રેસના કેજારભાઈ હુસેનભાઈ બારડને દશ મત મળ્યા હતા. જ્યારે ભાજપના ચંદુભાઈ કાળુભાઈ દાયમાને આઠ મત મળ્યા હતા. આથી કોંગ્રેસના કેજારભાઈ બારડ વિજેતા જાહેર થયા હતા. આમ ધોળકા તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસે કબજો મેળવ્યો છે અને કોંગ્રેસના જ સદસ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા કોંગ્રેસ તાલુકા પંચાયત કબજે કરવામાં સફળ રહી છે.