ઓઝત નદીમાંથી રેતી ચોરી કરનારા ભાજપના ગુંડા છે : હાર્દિક પટેલ

ઓઝત નદીમાંથી રેતી ચોરી કરનારા ભાજપના ગુંડા છે : હાર્દિક પટેલ
(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૧પ
જૂનાગઢ જિલ્લામાં વંથલી પટેલ સમાજ ખાતે હાર્દિક પટેલની ખેડૂતો સાથે મીટીંગ યોજાઈ હતી. તાજેતરમાં ભૂમાફિયા દ્વારા નયનભાઈ કલોલાનું અપહરણ કરી ઢોર માર માર્યો હતો. તે મામલે ખનીજ ચોરો સામે ફાઈટ આપવા યોજાયેલ મીટીંગમાં હાર્દિક પટેલે મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. રેત ખનનની બેફામપણે થઈ રહેલી પ્રવૃત્તિ સામે ભારે રોષ પ્રગટ કરતાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે તંત્રની ઢીલી નીતિના કારણે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી છે. રેતી ચોરી કરનારને ભાજપના ગુંડા ગણાવતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે વંથલી તાલુકાના ખેડૂતોની એવી ઓઝત નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરી રહેલા ભાજપના ગુંડાઓએ નયનભાઈનું અપહરણ કરી હિંસક હુમલો કર્યો છે. જેના વિરૂદ્ધમાં ખેડૂતોની એકતા અને અન્યાય સામે લડવાની હિંમત જળવાઈ રહે તે માટે વંથલી તાલુકાના ગામડાઓમાંથી આવેલા ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો છે. હું ખેડૂતોની અને ખાસ કરીને નયનભાઈની હિંમતને દાદ આપું છું કે, આવી વિપરીત સ્થિતિમાં પણ તેમણે લોકમાતાના રક્ષણ કરવાની એક ખેડૂત પુત્ર, ધરતી પુત્ર તરીકેની તેની ફરજ બજાવી છે. અહીંયા ઉપસ્થિત તમામ ખેડૂતોને ખાત્રી આપું છું કે, હું પણ તમારી સાથે જ છું. જરૂર પડયે તમારી સાથે આંદોલનમાં પણ ઝંપલાવીશ. વંથલીની મીટીંગ પહેલાં હાર્દિક પટેલે દવાખાનામાં સારવાર લઈ રહેલા નયનભાઈ કલોલાની મુલાકાત લઈ તેમને સાંત્વના આપી હતી.
બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં પત્રકારોએ પૂછ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રીનું રાજીનામું લેવાઈ ગયું છે. તે નિવેદન સામે મુખ્યમંત્રી આ બાબતે જુઠાણું ચલાવે છે ત્યારે સત્ય શું છે ? એવા પ્રશ્નના જવાબમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે કાંઈક રંધાઈ રહ્યું છે. થોડા દિવસમાં બધું બહાર આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts