(એજન્સી) હરિયાણા, તા.ર૧
હરિયાણા ભાજપ પ્રમુખ સુભાષ બરલાએ સોમવારે પાર્ટીના પ્રદેશ મીડિયા સંયોજક સુરજપાલ અમ્મુને કારણ દર્શક નોટિસ મોકલવાી છે. અમ્મુએ રવિવારે એલાન કર્યું હતું કે જો કોઈપણ વ્યક્તિ ફિલ્મ પદ્માવતીના ડાયરેકટર સંજયલીલા ભણસાલી અને ફિલ્મની હિરોઈન દીપિકા પાદુકોણનું માથું કાપી લાવશે તેને ૧૦ કરોડ રૂપિયા ઈનામ આપવામાં આવશે. આ નિવેદન બાદ અમ્મુને નોટિસ આપવામાં આવી છે. બરાલાના ઓફિસના એક વરિષ્ઠ કાર્યકર્તાએ જણાવ્યું કે અમ્મુને એક અઠવાડિયાની અંદર જવાબ આપવા નોટિસ પાઠવવામાં આવી છે જો તે આમ ન કરે તો તેમના વિરૂદ્ધ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. અમ્મુએ કહ્યું કે આ મુદ્દે તેઓ આરામથી જવાબ આપશે અને પાર્ટીના કહેવા પર રાજીનામું આપવા પણ તૈયાર થશે. મીડિયા સાથેની વાતચીતમાં અમ્મુએ જણાવ્યું કે, પદ્માવતી ફિલ્મ પ્રતિબંધ ન થાય ત્યાં સુધી અમારી લડાઈ યથાવત રહેશે. એમણે મધર ટેરેસાને પોતાના પ્રેરણાસ્ત્રોત બતાવ્યા અને દાવો કર્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એમના જીવન પર ઉંડો પ્રભાવ પડ્યો છે. ૧૦ વર્ષની ઉંમરમાં આરએસએસના કાર્યકર્તા રહેલા ૪૯ વર્ષીય અમ્મુએ મીડિયાને જણાવ્યું કે, હું પાછલા રપ-ર૬ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. હું વડાપ્રધાન મોદીની આંગળી પકડીને ચાલવાનું શીખ્યો છું.