ગાંધીનગર,તા.૧૭
ગુજરાત સહિત દેશભરમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેનું મતદાન યોજાઇ રહ્યું છે, ત્યારે નરેન્દ્ર મોદીના ‘હોમ સ્ટેટ’ ગુજરાતમાં ભાજપ સાથે જોડાયેલા પાટીદાર ધારાસભ્ય નલિન કોટડિયાએ દ્ગડ્ઢછના ઉમેદવારની વિરુદ્ઘ મતદાન કરતાં ગુજરાત ભાજપમાં ભારે હલચલ મચી ગઇ છે. ગુજરાતમાં પાટીદારો સાથે ભાજપે અન્ય કર્યો હોવાનો મુદ્દા સાથે નલિન કોટડિયાએ જાહેરમાં ભાજપ વિરુદ્ઘ મતદાન કર્યું હોવાનો એકરાર કર્યો હતો. તો બીજી તરફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલાસો કર્યો હતો કે, નલિન કોટડિયાને ભાજપે કોઇ વ્હીપ આપ્યો નથી. તેઓ જીપીપીમાંથી ચૂંટાયેલા છે. આ અંગે નલિન કોડટિયાનો સીધો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, હું જીપીપીમાંથી ચૂંટાયો હતો, પરંતુ ૨૦૧૪માં પાર્ટી ભાજપમાં મર્જ થઇ ગઇ હતી એટલે હું ભાજપનો ધારાસભ્ય ગણાવું અને ભાજપ સાથે જ વિધાનસભામાં બેસું છું. જોકે, રાષ્ટ્રીયપતિનો ચૂંટણી માટે મને ભાજપ તરફથી કોઇ વ્હીપ આપવામાં આવ્યો નહોતો અને આપવામાં આવ્યો હોત તો પણ હું દ્ગડ્ઢછના ઉમેદવારને મત નહોતો આપવાનો. કોટડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, મને ભાજપ તરફથી કોઇ મિટીંગમાં બોલાવવામાં આવ્યો ન હતો. પાટીદાર સમાજ સાથે સરકારે જે અન્યાય કર્યો છે અને આંદોલન દરમિયાન જે ૧૪ પાટીદારોની હત્યા થઇ છે, તે જોતાં હું ભાજપને મત આપી શકું તેમ જ નહોતો. જો ભાજપે મને વ્હીપ આપીને સૂચના આપી હોત તો પણ ભાજપના ઉમેદવારની વિરુદ્ઘમાં મતદાન કરવાનો હતો.
ગુજરાતના ધારાસભ્યના મતનું મૂલ્ય
૧૪૭ : સૌથી ઓછું સિક્કીમનું
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આપણે ત્યાં ઈલેક્ટોરલ કોલેજ છે અને તેમાં દરેક સંસદસભ્ય તથા દરેક રાજ્યના ધારાસભ્યના મતનું મૂલ્ય અલગ અલગ છે. આ ઈલેક્ટોરલ કોલેજમાં એક તરફ તમામ સંસદોના મત અને બીજી તરફ તમામ રાજ્યોની વિધાનસભાના સભ્યોના મત હોય છે. ગુજરાતના ધારાસભ્યના મતનું મૂલ્ય ૧૪૭ છે. એક ધારાસભ્યના મતના મૂલ્યની રીતે ગુજરાત સમગ્ર દેશમાં આઠમા સ્થાને છે જ્યારે કુલ મતોમાં દસમા સ્થાને છે. હાલમાં ૭૮૬ સાંસદોના કુલ મતોનું મૂલ્ય ૫,૪૯,૪૦૮ છે જ્યારે ૪૧ર૦ ધારાસભ્યોના કુલ મતોનું મૂલ્ય ૪૪૯૪૭૪ છે. આમ ઈલેક્ટોરલ કોલેજમાં કુલ મતનું મૂલ્ય આ વખતે ૧૦, ૯૮,૮૮૨ છે. આમ, રાષ્ટ્રપતિ બનવા માટે કોઈ પણ ઉમેદવારને અડધા એટલે કે ૫,૪૯,૪૪૨ મૂલ્યના મતો મળવા જરૂરી છે.
૧૯૭૧ની રાજ્યની વસ્તી પ્રમાણે મૂલ્ય નક્કી કરાયું હોય તે મુજબ અત્યારે ઉત્તર પ્રદેશના ધારાસભ્યના મતનું મૂલ્ય સૌથી વધારે ૨૦૮ છે જ્યારે સિક્કિમના ધારાસભ્યના મતનું સૌથી ઓછું મૂલ્ય માત્ર ૭ છે. જ્યારે એક સંસદસભ્યના મતનું મૂલ્ય ૭૦૮ છે અને ધારાસભ્યોનું રાજ્ય પ્રમાણે અલગ-અલગ મૂલ્ય છે.