(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
ભાજપ અધ્યક્ષ અમિત શાહે સોમવારે રાજ્યસભામાં વ્હીપની અવગણના કરીને ગેરહાજર રહેનાર સાંસદોને આકરી ફટકાર આપી હતી. અમિત શાહે પાર્ટી સાંસદોની ચેતવણી આપીને ભવિષ્યમાં આવું ન કરવાનું જણાવ્યું છે. શાહે આ વાતને ગંભીરતાથી લઈને સાંસદોને ક્લાસ લીધી હતી અને તેમને આકરી ચેતવણી આપી હતી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાજપ તેના સાંસદો પાસેથી ખુલાસો પણ માંગી શકે છે. વાસ્તવમાં સોમવારે રાજ્યસભામાં સરકારના બંધારણીય સુધારા અધિનિયમની એક મહત્ત્વની જોગવાઈને કાઢી નાખવી પડી હતી.ભાજપના ઘણા સાંસદો અનુપસ્થિત હોવાથી સરકારની આબરૂના કાંકરા થયાં હતા. આ વાતની ગંભીર નોંધ લઈને અમિત શાહે ગેરહાજર રહેનાર સાંસદોને આકરી ચેતવણી આપીને ભવિષ્યમાં ધ્યાન રાખવાની સલાહ આપી હતી. સરકારે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસ બંધારણીય દરજ્જો આપવા માટે બંધારણ સુધારા વિધેયક રજૂ કર્યું હતું. કોંગ્રેસ નેતા પી ચિદંબરમે સરકાર પર નિશાન સાધતા લખ્યું કે સરકાર આ અંગે ન તો તૈયાર હતી કે ન તો ગંભીર હતી. આને કારણે એનડીએના કુલ ૭૮ ધારાસભ્યોને કારણે ભાજપની આબરૂના કાંકરા થયા હતા. રાજ્યસભા અધ્યક્ષે વારંવાર એ વાતની યાદ અપાવી હતી કે ગૃહમાં ઘણા સભ્યોની ગેરહાજરી છે. તેથી આ અંગેની તમામ પ્રક્રિયા નવેસરથી શરૂ કરવી પડશે. અધ્યક્ષે એવું પણ પણ કહ્યું કે ગૃહમાં હાજર રહેનાર તમામ સાંસદોે આ બિલને સમર્થન આપે તો જ તે પાસ થઈ શકે છે. શાસક અને વિપક્ષ વચ્ચે સંમતિ સાધવા માટે થોડી મિનિટો પૂરતી ગૃહની કાર્યવાહીને સ્થગિત રાખવામાં આવી હતી પરંતુ છેવટે સત્તા પક્ષના ઘણા સાંસદો ગેરહાજર હોવાને કારણે આ વિધેયક પસાર થઈ શક્યું નહોતું. અમિત શાહની સાથે વડાપ્રધાન મોદીએ પણ આ વાતની નારાજગી જાહેર કરી હતી. ભાજપ સંસદીય દળની બેઠકમાં અમિત શાહે પાર્ટી સાંસદોને સત્રની કાર્યવાહી દરમિયાન હાજર રહેવાની સલાહ આપી હતી.