National

ભાજપના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને કારણે દલિત અને મુસ્લિમ મોતને ભેટે છે : ઓવૈસી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧
હૈદરાબાદમાં લોકસભાની સાંસદ અને એઆઈએમઆઈએમ અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ગૌરક્ષાના નામ પર દેશના દલિતો અને લઘુમતીઓ પર થઈ રહેલ હિંસા મામલે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ઓવૈસીએ કહ્યું હતું કે, જ્યાં ભારત સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છોડશે નહીં ત્યાં સુધી દેશમાં દલિત અને મુસ્લિમ આ જ રીતે માર્યા જશે. ઓવૈસી જણાવે છે કે, મોદી સરકાર ધર્મની વિચારધારા સાથે સત્તામાં આવી હતી જેનું આપણા બંધારણમાં કોઈ સ્થાન નથી. જ્યાં સુધી ભાજપ આ વિચારધારા સાથે ચાલશે ત્યાં સુધી દેશમાં ટોળાની હિંસા બંધ થશે નહીં. કેરળ, કર્ણાટક અને ભાજપ શાસિત રાજ્યોમાં દલિત અને મુસ્લિમ દરેક ક્ષણ પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે કારણ કે અહીં જ સૌથી વધુ દલિતો અને મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ મામલે વધુ વાત કરતાં ઓવૈસીએ અલીગઢની ઘટનાનું ઉદાહરણ આપ્યું જ્યારે નજીમુલ હસનને ટ્રેનમાં બુરખો પહેરી પ્રવાસ કરવા બદલ રેલવે પોલીસે ધરપકડ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભયના કારણે મુસ્લિમ બુરખો પહેરી ફરવા મજબૂર થઈ રહ્યા છે. ઓવૈસીએ દેશના હિન્દુઓ પાસેથી દેશની પરંપરાને બચાવવા માટે આગળ આવવા અપીલ કરી છે. તદુપરાંત હિન્દુઓને દેશને હિન્દુત્વથી બચાવવા પણ અપીલ કરી છે કારણ કે આપણી લડાઈ હિન્દુત્વ સાથે છે હિન્દુવાદ સાથે નહીં.