ભાજપને મત આપનાર કોંગ્રેસના બળવાખોર કાઉન્સિલરના ઘરે હુમલો

(સંવાદદાતા દ્વારા) આણંદ તા.૨૪
આણંદ જિલ્લાના પેટલાદ નગરપાલિકાની પ્રતિષ્ઠાભરી પ્રમુખપદની ચૂંટણી માટે ગતરોજ યોજાયેલા મતદાન દરમિયાન કોંગ્રેસના ૬ કાઉન્સિલરોએ વ્હીપનો અનાદર કરી ભાજપના ઉમેદવાર જૈમિનીબેન પટેલને મત આપી વિજય થયાની અદાવત રાખી પાંચ જેટલા કોંગી કાર્યકરોએ હથિયારો સાથે એક કાઉન્સિલરના ઘરે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બુલેટ અને એક્ટીવાની તોડફોડ કરી નુકસાન પહોંચાડતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે કાઉન્સિલરે પેટલાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર પેટલાદ નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખ રેણુકાબેન વાઘેલાએ પ્રમુખપદેથી રાજીનામું આપી દેતા ગતરોજ પેટલાદ નગરપાલિકાના સભાગૃહમાં પ્રમુખપદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુલશનનગર સોસાયટીમાં રહેતા અને વોર્ડ નંબર ૭ પરથી કોંગ્રેસના સિમ્બોલ પરથી ચૂંટાયેલા ગુલામદસ્તગીર ઉર્ફે ફિરોજ રેતી નુરમહંમદ વહોરા તેમજ બીજા પાંચ કોંગ્રેસના કાઉન્સિલરો અને બે અપક્ષ મળી ૮ અસંતુષ્ટોએ ભાજપના ઉમેદવારને મત આપતાં જૈમીનીબેન પટેલને ૨૨ મત મળતાં તેઓનો વિજય થયો હતો. ચૂંટણી પત્યા પછી બપોર બે વાગ્યાના સુમારે ગુલામદસ્તગીર વહોરા પોતાના ઘરે ગયા હતા ત્યારે પાંચ જેટલા કોંગી કાર્યકરોએ હથિયારો લઈને તેમના ઘરે આવ્યા હતા અને લાકડી અને ગમે તેમ ગાળો બોલી ડાંગથી એક્ટીવા અને બુલેટની તોડફોડ કરી ગુલામદસ્તગીરને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. દરમિયાન આ અંગેની જાણ પેટલાદ શહેર પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ બનાવ અંગે પેટલાદ શહેર પોલીસ મથકે કાઉન્સિલર ગુલામદસ્તગીર ઉર્ફે ફિરોજ રેતી નુરમહંમદ વહોરાની ફરિયાદના આધારે સજાઉદ્દીન રફીયોદ્દીન ઉર્ફે બાટા શેખ જીયાઓદ્દીન રફીયોદ્દીન ઉર્ફે બાટા શેખ, જીયાઉદ્દીન બાટાનો છોકરો લડ્ડુ, જીયાઉદ્દીન બાટાનો બીજો છોકરો લારેન અને રિયાજ બાટાનો છોકરો રાજા સામે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સજાઉદ્દીન શખ અને જીયાઓદ્દીન શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks