(એજન્સી) લખનૌ, તા.૨૪
ઉત્તરપ્રદેશના જાલોનમાં ભાજપ નેતાની ગાડીમાંથી બીફ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે ગાડીમાંથી અઢી ક્વિંટલ માંસ અને પશુવધના ઓજારો પણ જપ્ત કર્યા છે. આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ લોકો ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયાં હતા. પોલીસે ગાડીને કોલિયા બાયપાસ ખાતેથી જપ્ત કરી હતી. જે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમણે પોતાની ઓળખ શાહબાઝ અને સફી તરીકે આપી છે. જે ગાડીમાંથી બીફ જપ્ત કરવામાં આવ્યું હતું તેમાં ભાજપનો લોગો અને ધ્વજ પણ લગાવેલો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ ગાડી ભાજપ જિલ્લા મહામંત્રી નીરજ શ્રીવાસ્તવના સંબંધી વિકાસ શ્રીવાસ્તવની છે. પોલીસે બીફને તપાસ માટે લેબમાં મોકલી આપ્યું છે. જાલોન એસપી અમરેન્દ્ર પ્રતાપસિંહે જણાવ્યું કે સૂચના મળતાં જ આ ગાડીને જપ્ત કરી લેવામાં આવી હતી. પોેલીસ ગાડીના માલિકને પકડવા માટે રણનીતિ બનાવી રહી છે. તેમણે કહ્યું કે આ મામલે કોઇપણ દોષીને છોડવામાં નહીં આવે. દોષિઓ વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.