(એજન્સી)
ગાંધીનગર, તા.૧૮
ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યું હતું કે જીતા વિકાસ, જીતા ગુજરાત જય જય ગરવી ગુજરાત. અમિત શાહે પણ આ અંગે આનંદ વ્યક્ત કરતા પ્રજાનો આભાર માન્યો હતો. ભાજપે ભલે જીત મેળવી હોય પરંતુ ભાજપની પૂર્વ સરકારના મોટા નેતાઓ અને મંત્રીઓએ પોતાની બેઠક ગુમાવી છે. ભાજપ સરકારના પૂર્વ સામાજિક ન્યાય રાજ્યમંત્રી કેશાજી ઠાકોર, અને આત્મરામ પરમાર બોટાદ, પૂર્વ પાણી પુરવઠા મંત્રી જશા બારડ અને પૂર્વ કૃષિ મંત્રી ચિમન સાપરીયાની હાર થઈ છે. બનાસકાંઠાની વાવ બેઠક પરથી પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી પણ હાર્યા છે. અમદાવાદ શહેરની બહુચર્ચિત દરિયાપુર બેઠક પર ગ્યાસુદ્દીન શેખે ભાજપના ભરત બારોટને પરાજય આપ્યો છે. કોંગ્રેસના બે મોટા નેતાઓએ પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે. પોરબંદરથી અર્જુુન મોઢવાડિયા અને માંડવીથી શક્તિસિંહ ગોહિલને હાર મળી છે.