(એજન્સી) કોલકાતા, તા. ૨૧
ભાજપની નીતિઓથી નારાજ થયેલા પક્ષના ભૂતપૂર્વ સાંસદ ચંદન મિત્રા અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો શનિવારે રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની ઉપસ્થિતિમાં શાસક તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માં જોડાઇ ગયા છે. ટીએમસીમાં જોડાયેલા કોંગ્રેસના ચાર ધારાસભ્યોમાં સમર મુખરજી, અબુ તાહિર, સબિના યાસ્મિન અને અખરૂઝ્ઝમાનો સમાવેશ થાય છે. કોલકાતામાં યોજાયેલી વાર્ષિક શહીદ દિવસ રેલીમાં ચંદન મિત્રા અને કોંગ્રેસના ધારાસભ્યો ટીએમસીમાં જોડાયા છે. ચંદન મિત્રા રાજ્યસભામાં ભાજપના સભ્ય હતા. ૨૦૧૬માં રાજ્યસભાના સભ્ય તરીકેની તેમની મુદ્દત પુરી થઇ હતી. અંગ્રેજી અખબાર પાયોનિયરના મેનેજિંગ ડિરેક્ટર અને તંત્રી મિત્રાને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના નિકટના માનવામાં આવે છે અને એના કારણે ભાજપની વર્તમાન નેતાગીરી સાથે તેઓ સેટ ન થઇ શક્યા. ચંદન મિત્રાએ ઉત્તર પ્રદેશના કેરાનામાં લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપના પરાજય અંગે આકરી ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપે શેરડીના ખેડૂતોની સમસ્યા તરફ ધ્યાન નહીં આપ્યું હોવાથી પેટાચૂંટણીમાં ભાજપનો પરાજય થયો છે.