ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસ-ભાજપ આમને-સામને : ભાજપનો સભાનો બહિષ્કાર

(સંવાદદાતા દ્વારા)
ભાવનગર, તા.૧૧
ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજરોજ પ્રમુખ સંજયસિંહ સરવૈયાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ સભા શરૂઆતથી તોફાની બનવા પામી હતી. એક તબક્કે ભાજપના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા આર.સી. મકવાણા અને કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ વચ્ચે તું તું મેં મેં થવા પામી હતી. પ્રવિણભાઈ મારૂ આ સભામાં સુચન આપતા હતા તે વેળાએ આર.સી. મકવાણા અને તેના ભાજપના સાથી સભ્યો ભરતભાઈ હડિયા સહિતના સભ્યોએ પ્રવિણભાઈને બોલતા અટકાવવા કોશિશ કરી હતી અને કહ્યું હતું કે આ સભામાં તમે ફક્ત હાજરી આપી શકો છો, પ્રશ્ન કરી શકતા નથી, કે સૂચનો કરી શકતા નથી તે વેળાએ પ્રમુખ સંજયસિંહ સરવૈયાએ દરમ્યાનગીરી કરી પંચાયતી ધારા મુજબ ધારાસભ્ય સામાન્ય સભામાં હાજરી પણ આપી શકે અને સુચન પણ કરી શકે છે.
આ ઉપરાંત આજરોજ મળેલી સામાન્ય સભા શરૂ થતા જ વિપક્ષ દ્વારા પંચાયતી ધારા અન્વયે વાંધો ઉઠાવ્યો હતો અને આગામી ર૦મીએ સામાન્ય સભા છે તેના એજન્ડા બહાર પડી ગયા છે અને સરકાર તરફથી પણ જાહેરનામું બહાર પડી ગયું છે. આ સામાન્ય સભાને ૩ માસ પુરા પણ થયા નથી તો પછી આજે આ સામાન્ય સભા બોલાવવામાં શા માટે આવી ? તેનું કારણ પૂછવામાં આવ્યું હતું ત્યારે જવાબમાં પ્રમુખ સંજયસિંહે કહ્યું હતું કે અમોને અધિકાર છે, અમો સભા બોલાવી શકીએ છીએ ત્યારે વળતા જવાબમાં ભાજપના સભ્યોએ ભ્રષ્ટાચારના આક્ષેપો કરી સૂત્રોચ્ચાર કરતા ભાજપના તમામ સભ્યો સભાનો બોયકોર્ટ-બહિષ્કાર કરી સૂત્રોચ્ચાર કરતા સભામાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ અધ્યક્ષ સંજયસિંહ સરવૈયાએ કોંગ્રેસના સભ્યોની હાજરીમાં અને સંબંધિત વિભાગમાં અને અધિકારીઓની ઉપસ્થિતિમાં સભા આગળ ચલાવી હતી અને સભ્યોએ પૂછેલા પ્રશ્નોના જવાબો માંગ્યા હતાં.
આ સભામાં સત્તાધારી કોંગ્રેસના સભ્યો અને ભાજપના સભ્યો એક તબક્કે આમને-સામને આવી ગયા હતા અને સભામાં ભારે દેકારા પડકારા થવા પામ્યા હતા. બંને પક્ષે આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરાયા હતા. આજની સભામાં ધારાસભ્ય આર.સી. મકવાણા, ભરતભાઈ હડિયા, બી.કે. ગોહિલ, પેથાભાઈ આહિર સહિતના ભાજપના સભ્યો આકરાપાણીએ દેખાયા હતા. જ્યારે સામાપક્ષે પ્રમુખ સંજયસિંહ સરવૈયાએ પણ ભાજપના સભ્યોએ લોકોના વિકાસના કામોમાં સહકાર આપવો નથી. ભાજપને અમે પ્રશ્નોત્તરીની તક આપી છતાં તેઓ પ્રશ્નો પૂછી શક્યા નથી તેમ જણાવ્યું હતું. સભા બાબતે પણ સંજયસિંહે ખુલાસો કર્યો હતો કે આ રેગ્યુલર સભા છે, આગામી સભામાં કલેકટરના અધ્યક્ષસ્થાને મળવાની હોય પ્રમુખ સહિતની ચૂંટણીલક્ષી સભા હોય, સભ્યો તેમના પ્રશ્ન ન પૂછી શકે તે માટે આ સભા બોલાવવામાં આવી છે તેવો પ્રમુખે ખુલાસો કર્યો હતો.
પ્રશ્નોત્તરીકાળમાં સભ્ય ભાણજીભાઈ સોસાએ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેટલા મફત ઘરથાળ પ્લોટો મંજૂર કર્યા તે પ્રશ્ન બાબતે વિસ્તૃત ચર્ચા થવા પામી હતી. મફત આપવામાં આવેલા પ્લોટ ધારકોને સનત આપવામાં આવતી ન હોવાથી લાભાર્થી લાભથી વંચિત રહે છે, અધિકારીઓ ખોટા જવાબો આપે છે તેમના વિરૂદ્ધ પગલાં ભરવા જોઈએ તેમ જણાવ્યું હતું. તે જ રીતે ભાણજીભાઈએ મહુવા કુંભણ ગ્રામ પંચાયતના સરપંચની ગેરરીતિની બાબતે ક્યારે રજૂઆત થઈ અને ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવી તે બાબતે ઉગ્ર ચર્ચા થવા પામી હતી. કુંભણના સરપંચ હિપાભાઈ ખાંભલ્યાની સામે શું પગલા લેવામાં આવ્યા ? સરપંચે પોતે પોતાના નામે કામોના બિલો બનાવી પોતાના ખાતામાં નાણાં મેળવી ભ્રષ્ટાચાર કર્યા હોવાના આ સભામાં સભ્યો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જ્યારે સભ્ય સુરજીતસિંહ ગોહિલ દ્વારા જિલ્લા પંચાયતના આઉટસોર્સથી રાખવામાં આવતા પટાવાળા અને ડ્રાઈવર માટે માસિક કેટલા રૂપિયાના પગારની મંજૂરી આપવામાં આવી છે તે બાબતે પ્રશ્નો કર વામાં આવ્યા હતા.
જ્યારે આ સભામાં સુરજીતસિંહ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ઉમરાળા ગામે ગટર રીપેરિંગ અને સફાઈ માટે શું વ્યવસ્થા છે તે ગ્રામ પંચાયતને આપવામાં થતી ગ્રાન્ટ કોને અને શા માટે અટકાવવામાં આવી છે તે બાબતે ઉગ્ર ચર્ચાઓ થવા પામી હતી. ત્યારે ટ્રેકટર સબસીડીની સહાય ખેડૂતોને ચૂકવાઈ ગઈ છે તે માટે સત્તાધારી કોંગ્રેસપક્ષે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
આજની સભામાં ધારાસભ્ય-એવમ વિપક્ષ નેતા આર.સી. મકવાણા, ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, ધારાસભ્ય કનુભાઈ બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બાવચંદભાઈ નિમાણી, કારોબારી સમિતિના ચેરમેન ગોવિંદભાઈ ગોરડિયા, ભાણજીભાઈ સોસા, ભાજપના સભ્યો બી.કે. ગોહિલ, પેથાભાઈ આહિર, ભરતભાઈ હડિયા સહિતના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks