(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૬
કેન્દ્રીય શ્રમ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક આદેશ અનુસાર હવેથી ઓપરેશનલ સ્ટાફ સિવાયના કર્મચારીઓને ઓવરટાઈમ ભથ્થુ આપવામાં આવશે નહીં કેન્દ્ર સરકારે આ અંગેનો નિર્ણય કર્યો હતો સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણોને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ નિર્ણય ભારત સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો તેમજ ઓફિસો પર લાગુ થશે જો કે આ નિર્ણયમાંથી ઓપરેશનલ સ્ટાફને બાકાત રાખવામાં આવ્યો છે. તમામ મંત્રાલયો અને વિભાગોને ઓપરેશનલ સ્ટાફની યાદી તૈયાર કરવા જણાવવામાં આવ્યું છે. આવા કર્મચારીઓને બાયોમેટ્રીક હાજરીના આધારે ઓવરટાઈમ ભથ્થુ આપવામાં આવશે એમ શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
જો કે ઓપરેશનલ સ્ટાફ માટે ઓવરટાઈમ ભથ્થા અંગે કોઈ સમીક્ષા કરાશે નહીં. એટલે કે તેમને જૂના ધારા-ધોરણ મુજબ જ ઓવરટાઈમ ભથ્થુ મળશે. ૧૯૯૧ના જાહેર થયેલ હુકમ મુજબ જ આ ભથ્થુ મળશે. શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું કે જે તે વિભાગના વરિષ્ઠ અધિકારીની ખાતરી બાદ જ આવા કર્મચારીઓને ભથ્થુ અપાશે.