(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૯
રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક ગામડાઓ અને વિસ્તારો સંપર્કવિહોણા બન્યા છે. જાન માલને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક રોડ રસ્તા અને પૂલો ધોવાઈ ગયા છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના આગેવાનોએ ભાવનગર જિલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઈ રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા કે અતિવૃષ્ટિમાં અસરગ્રસ્તોને મદદ કરવા રેસ્ક્યુ ઓપરેશન અને રાહત કામગીરીમાં ભાજપ સરકાર નબળી સાબિત થઈ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય કનુભાઈ બારૈયા, ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, ભાવનગર જિલ્લા પ્રમુખ પ્રવિણ રાઠોડ, રાજ મહેતા, વિજયભાઈ બારૈયા, લાલભા ગોહિલ સહિત કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનોએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ તેઓની હાલાકી-પરેશાની અંગે ચિતાર મેળવ્યો હતો અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાનું આયોજન કર્યું હતું.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેડરડા ગામે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા સ્થાનિક આગેવાનો અતિવૃષ્ટિના કારણે સ્લેબ તૂટવાથી મૃત્યુ પામેલ યુ. એન. માંડવીયાના પરિવારજનોની તથા એજ ગામના અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ ૯ જેટલા બાળકોના પરિવારજનોની મુલાકાત લઈ ખબર અંતર પૂછી સાંત્વના પાઠવી હતી. ત્યાંથી ભાદરોડ-મફતપુરા ખાતે અસરગ્રસ્તો અને જરૂરિયાતમંદ કુદરતી આફતનો ભોગ બનેલા પરિવારજનોને કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયાર કરેલ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વાઘનગર, કતપર ગામોના અસરગ્રસ્ત પરિવારો અને ગ્રામજનોની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ પોતાના કાર્યક્રમો સરકારી ખર્ચે મોટા પાયે ભીડ એકત્ર કરવા માટે સરકારી તંત્રનો દુરપયોગ કરે પણ અતિવૃષ્ટિમાં ભોગ બનેલાં અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા સાથો સાથ ભોગ બનનાર પ્રજાની પડખે ઉભા રહેવામાં ભાજપ સરકાર સરકારી તંત્રનો ઉપયોગ કરવામાં કેમ પાછળ રહે છે ?
અતિવૃષ્ટિને કારણે હજારો હેક્ટર ખેતી લાયક જમીનનું ધોવાણ થયું છે. તેવા સમયે સરકારે ખેડૂતોના હિતમાં વળતર તાત્કાલિક ચુકવવું જોઈએ. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સ્થાનિક કક્ષાએ અતિવૃષ્ટિને કારણે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને શક્ય મદદ કરે તેવી અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને વિનંતી છે કે, મોટી મોટી જાહેરાતો કરવાને બદલે જે વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલા નાગરિકો-પરિવારને તાત્કાલિક અસરથી યોગ્ય સલામત જગ્યાએ ખસેડવામાં આવે અને તાકીદે રાહત સામગ્રી પહોંચાડવામાં આવે.