ભાજપ સરકાર બંદૂકના નાળચે ખેડૂતોના અધિકારો છીનવી રહી છે : હાર્દિક પટેલ

ભાવનગર, તા.૭
ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે પાવર પ્લાન્ટના પ્રશ્ને યોજાયેલી ખેડૂતોની સભાને સંબોધતા પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપ સરકાર સામે શાબ્દિક ચાબખા મારતા જણાવ્યું હતું કે, ખેડૂતો સરકારી દમનનો ભોગ બની રહ્યા છે. બંદૂકના નાળચે ભાજપ સરકાર ખેડૂતોના અધિકારો છીનવી રહી છે. ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના પાવર પ્લાન્ટ માટે ચાલી રહેલી જમીન સંપાદન સામે બાડી-પડવા સહિતના આજુબાજુના ૧ર ગામના ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. ગઈકાલે રવિવારે હાર્દિક પટેલે આંદોલનકારી ખેડૂતોને રૂબરૂ મળી સભાને સંબોધી હતી. જેમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સભાને સંબોધતા પાટીદાર નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકારે ૧ર ગામની જમીન હડપી છે, કાલે ૧૦૦ ગામના ખેડૂતોને જમીન પરથી હાંકી કાઢશે તેથી તમામ ખેડૂતોને એક બની સરકારની નીતિ સામે પરિણામ ન મળે ત્યાં સુધી રહેવા હાંકલ કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ૧ર ગામના ખેડૂતોના આંદોલનને મારો સંપૂર્ણ ટેકો છે અને જ્યારે બોલાવવામાં આવે ત્યારે હું અચુક હાજર રહીશ એમ જણાવી ભાજપ સરકાર અને પ્રદેશ ભાજપ પ્રુમખ જીતુભાઈ વાઘાણીની નીતિ સામે શાબ્દિક ચાબખા માર્યા હતા.
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જે ભાજપ સરકારમાંથી છુટાયેલા છે તેવા ધારાસભ્યો કે સાંસદ સભ્યો કે અન્ય કોઈ પદાધિકારની કોઈ મદદ કે આશા ન રાખવા અને ખેડૂતોએ પોતાની લડાઈ પોતાના અધિકાર અને હક માટે જ પોતે જ લડવી પડશે તેવી હાંકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો પોષણક્ષમ ભાવો, પાક વીમામાં પણ આડેધડ નિર્ણયો લેવાય છે તેમજ ખેડૂતોની જમીન સંપાદન બાબતે પણ ખેડૂતો જ ભોગ બની રહ્યા છે. ભાજપ સરકાર ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપે છે, જ્યારે તેની સામે સરકારને ખેડૂતોની કોઈ ચિંતા નથી તેવા આક્ષેપો પણ હાર્દિક પટેલે કર્યા હતા. સત્તાના મદમાં છકી ગયેલી ભાજપ સરકારને આ ૧ર ગામના પ૦૦૦ ખેડૂતોની કોઈ ફિકર નથી આથી જિલ્લાના તમામ ખેડૂતોને એક થઈ આ આંદોલન ચલાવે તો ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓ પણ તમારા પગમાં પડી જશે તેમ હાર્દિક પટેલે હાંકલ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts