ભાજપ સરકારના બદઈરાદાથી કંપનીઓ ડ્રીપ ન આપતા ખેડૂતો વીજ જોડાણથી વંચિત!

અમદાવાદ, તા.૬
ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ માટે પ્રોત્સાહન આપવાના બદલે ભાજપ સરકારે કૂટનીતિ અપનાવી જીએસટીની ટકાવારીની અનિશ્ચિતતાના કારણે ડ્રીપ નહીં મેળવી શકતા ખેડૂતોને વીજ જોડાણથી વંચિત રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ડ્રીપ ઈરીગેશન (ટપક સિંચાઈ પદ્ધતિ) માટે વપરાતા ડ્રીપમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો છે પરંતુ વિવિધ કંપનીઓ દ્વારા જીએસટીની ટકાવારી પ્રમાણે હજુ સુધી નવા દર નિયત થયા નહીં હોવાથી ખેડૂતોને નવા ડ્રીપ આપવા તૈયાર નથી. પરિણામે મોટાભાગના ખેડૂતો આ ડ્રીપ વગર અત્યારે લાચાર પરિસ્થિતિમાં મૂકાઈ ગયા છે. કારણ કે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ મુજબ જો ડ્રીપ હોય તો જ ખેતી માટે નવું વીજ જોડાણ આપવામાં આવે છે એમ જણાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો.હિમાંશુ પટેલે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકારના બદઈરાદાથી જ ડ્રીપમાં જીએસટી માટે આજદિન સુધી અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. જેમાં કંપનીઓ ખેડૂતોને ડ્રીપ આપે નહીં એટલે ખેડૂતોને નવા વીજ જોડાણ આપવાની માથાકૂટ આપોઆપ રહે જ નહીં ! ભાજપ દ્વારા ખેડૂતો માટે જરૂરી સિંચાઈ કે વીજળીની સુવિધા હજુ સુધી ઉપલબ્ધ કરવામાં આવી નથી. આ ઉપરાંત અત્યારસુધી ગુજરાતમાં જ ભાજપ સરકાર દ્વારા ખાતર ઉપર પણ વેટ લઈ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હતી. તો યુરિયા અને ડીએપી ખાતરનું ગુજરાતમાં જ ઉત્પાદન થતું હોવાથી ટ્રાન્સ્પોર્ટ સહિતના ઓછા ખર્ચના કારણે ભાવ ઓછો હોવો જોઈએ તેના બદલે ગુજરાતમાં ખાતરના વધારે ભાવ લઈ ખેડૂતોને આર્થિક રીતે બરબાદ કરવામાં આવી રહ્યા છે. પરિણામે ૧ર૦ ટકા જેટલો ભારે વરસાદ થવા છતાં રાજ્યમાં ખરીફ પાકના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સંજોગોમાં ડ્રીપ ઉપર જીએસટી રદ કરવા જોઈએ. તેમજ ડ્રીપ વિના પણ ખેડૂતોને નવા વીજ જોડાણ તાત્કાલિક આપવા તેમણે માગણી કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks