ધંધુકા, તા.૬
ગુજરાતમાં આહિર સમાજ ઘણા વર્ષોથી દરેક ચૂંટણીમાં ભાજપને સાથ આપતો આવ્યો છે છતાં પણ ભાજપ આ સમાજ સાથે અન્યાય કરી રહ્યું છે. જે મામલે વર્તમાન સરકારની રીતિ-નીતિ સામે અખિલ ભારતીય યદુવંશી મહાસભાના ગુજરાતના અધ્યક્ષ તેમજ આહિર સમાજના આગેવાન હેમંતભાઈ આહિરે ભારોભાર રોષની લાગણી વ્યકત કરી હતી.
ગુજરાતમાં આહિરોની સંખ્યા ૬૦ લાખથી પણ વધુ છે પરંતુ તેમ છતાં વર્તમાન રાજ્ય સરકારે પોતાના મંત્રી મંડળમાં આ સમાજના એક પણ વ્યકિતને સ્થાન આપ્યું નથી. આ બાબત સ્પષ્ટ કરી આપે છે કે વર્તમાન રાજ્ય સરકાર આહિર સમાજ સાથે ઓરમાયું વર્તન દાખવી રહી છે.
તાજેતરમાં જ જામનગરમાં આહિર સમાજના પ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી મેયર કરશનભાઈ કરમુરને સામાન્ય બાબતે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મોવડી મંડળે આ નિર્ણય લેતા પૂર્વે કરશનભાઈએ વર્ષોથી પક્ષ માટે દાખવેલી કર્તવ્ય નિષ્ઠાને અવગણી આ નિર્ણય શા માટે લીધો તે પ્રશ્ન સમાજને વ્યથિત કરી રહ્યો છે તો એવી પણ ચર્ચા થઈ રહી છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જામનગરમાં કરશનભાઈ કરમુર પ્રબળ દાવેદાર હોય ત્યારે આયાતી ઉમેદવારોને ટિકિટ આપવા માટે કરશનભાઈને ઈરાદાપૂર્વક હાસ્યમાં ધકેલી દેવામાં આવ્યા છે.
આહિર આગેવાન હેમંતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, થોડા સમય પૂર્વે માંડવીમાં બનેલી ઘટનામાં પણ આહિર સમાજના લોકોને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા હતા અને તે માટે પણ ભાજપના જ કેટલાક મોટા માથાઓનો દૌરી સંચાર હોવાનું ચર્ચાય રહ્યું છે. ભાજપ સત્તાના નશામાં આહિર સમાજની લાગણીઓને અવગણી રહી છે પરંતુ આ બાબત આવનારી ચૂંટણીમાં ચોકકસપણે તેમણે ભારે પડશે તેમ આહિર આગેવાન હેમંતભાઈએ અંતમાં જણાવ્યું હતું.