(એજન્સી) તા.ર૧
શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં આક્ષેપ કર્યો હતો કે કાશ્મીરના ખીણ પ્રદેશમાં અરાજકતા ફેલાવ્યા પછી ભાજપ સત્તામાંથી ખસી ગયો. શિવસેનાએ કહ્યું કે કાશ્મીરમાં પરિસ્થિતી ક્યારેય પણ આટલી હદે ખરાબ ન હતી. ક્યારેય આટલી હદે લોહીની નદીઓ વહી ન હતી અને પહેલા ક્યારેય પણ આટલી મોટી સંખ્યામાં જવાનો શહીદ થયા ન હતા. શિવસેનાએ કહ્યું હતું કે ભગવા પાર્ટી એક સભ્ય માણસની જેમ સત્તામાંથી ખસી ગઈ અને દોષનો ટોપલો પી.ડી.પી. પર ઢોળી દીધો. સામનામાં લખવામાં આવ્યું હતું કે ભાજપની લાલચને કારણે કાશ્મીરમાં સરકારની રચના થઈ હતી. દેશના જવાનો અને કાશ્મીરના લોકોને આ લાલચની મોટી કિંમત ચૂકવવી પડી અને આ માટે ઈતિહાસ ભાજપને ક્યારેય પણ માફ નહીં કરે. શિવસેનાએ કહ્યું હતું કે કાશ્મીરમાં હિંસાનો ઉકેલ લાવવાના વચનને કારણે નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી કેન્દ્રમાં સત્તા પર આવી હતી. લોકોને આજે લાગે છે કે કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સની સરકાર વધારે સારી હતી. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટીએ કાશ્મીર પંડિતો અને ધારા-૩૭૦ વિશે પણ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. શિવસેનાએ કહ્યું હતું કે નોટબંધી પછી કાશ્મીરમાં હિંસા હજાર ગણી વધી ગઈ છે. પાકિસ્તાનીઓની ઘૂસણખોરી વધી ગઈ છે. યુદ્ધ ન હોવા છતાં સૈનિકોના મૃત્યુ વધી ગયા છે. જ્યારે તમે આ બધુ રોકવામાં નિષ્ફળ ગયા ત્યારે તમે પી.ડી.પી.ને દોષી ગણાવી દીધી. બ્રિટીશરો પણ છટકી ગયા હતાં.