(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
વડોદરામાં માંજલપુર વોર્ડ નં.૧૮માં આજે એક ઉદ્યાનનું અચાનક ઉદ્ઘાટન નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં મેયર રિબીન કાપી ઉદ્ઘાટન કરવાની તૈયારી કરી રહ્યા હતાં. સાથે ભાજપના સ્થાનિક કોર્પોરેટરો અને કાર્યકરોનું મોટું ટોળું જમા થયેલું. મેયરની વાહવાહ કરવા ભેગા થયા હોય તેવંુ દૃશ્ય ઊભું થયેલુ. બરાબર આ સમયે કોંગ્રેસના કોર્પોરેટરો પણ આવી પહોંચ્યા હતાં. આ કાર્યક્રમ સાથે વોર્ડ નં.૧૭-૧૮ અને ૧૯માં બગીચો, કોતર, તલાવડી જેવા વિવિધ કાર્યક્રમનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાનું હતું.
વોર્ડ નં.૧૮માં ગણપતિ ગજાનંદ ઉદ્યાનનું ઉદ્ઘાટન મેયર કરે એ પહેલાં જ કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર અને ભાજપનાં આ વોર્ડમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર વચ્ચે શાબ્દિક તણખા ઝર્યા હતાં. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણી માથે છે. એટલે તમે રાતોરાત ઉદ્ઘાટનો અને ખાતમુહૂર્તનાં કાર્યક્રમો યોજી નાંખો છો. ગાર્ડન તો પાંચ મહિનાથી તૈયાર થઈ ગયો છે. લોકો વાપરતા પણ થયા છે અને હવે ઉદ્ઘાટન કરવા નીકળી પડ્યા. બગીચાની સારસંભાળ તો રાખતા નથી. ઘાસ ઉગી નિકળ્યું છે. તેની સફાઈ થતી નથી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ભાજપના સાંસદ રંજનબેન ભટ્ટ પણ સ્તબ્ધ થઈ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા છોડવામાં આવી રહેલા વગ્બાણને સાંભળી રહ્યા હતા.
કોંગ્રેસવાળાઓએ એવોે પણ ટોણો માર્યો હતો કે, ભાજપ વાળાને રાતે ઉદ્ઘાટનો અને ખાતમુહૂર્ત કરવાના સપના આવે છે અને દિવસ ઉગ્યે અમલ કરવા નિકળી પડે છે. ચુટણી માથે છે એટલે પ્રસિદ્ધ મેળવવા આવા પ્રયાસો થઈ રહ્યા છે. પાંચ મહિના પહેલા જ્યારે બગીચો તૈયાર થઈ ગયો ત્યારે અમે મેયરને ઉદ્ઘાટન કરવા કહેલુ. પરંતુ તેમણે ગણકાર્યું નહિં. હવે ઉદ્ઘાટન કરવા નીકળી પડ્યા છે.