અમદાવાદ, તા.૧૪
ગુજરાતમાં છેલ્લા રર વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર દર ચૂંટણી વખતે ગુજરાતના વિકાસની વાતો કરીને મતોની ખેતી કરે છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં વિકાસને લઈ તે ખુદ ભાજપ સરકાર ભેખડે ભરાઈ છે. રાજ્યમાં પાટીદાર આંદોલન, દલિત આંદોલન અને દારૂબંધી છતાંય દારૂના બેફામ વેચાણ સામે અલ્પેશ ઠાકોરે શરૂ કરેલા આંદોલન જેવા વિવિધ મુદ્દાઓને લીધે સરકાર બરાબરની ઘેરાઈ ગઈ છે. તેવામાં ગુજરાતમાં વિકાસ થયો હોય તો લોકોમાં રોષ કેમ ઊભો થાય તેવા સવાલો સાથે સોશિયલ મીડિયામાં ‘વિકાસ ગાંડો થયો છે’ની પોસ્ટ વાયરલ થતાં ભાજપમાં ભાગદોડ મચી ગઈ છે. ત્યારબાદ સોશિયલ મીડિયામાં મારા હાળા છેતરી ગયાનું સૂત્ર કોંગ્રેસે ફરતું કર્યું હતું અને પાટીદારોએ પણ સોશિયલ મીડિયામાં હવે ભાજપની વિરૂદ્ધ ‘હવે પાડી દો’નું કેમ્પેઈન શરૂ કર્યું છે. ત્યારે ચૂંટણીઓમાં સોશિયલ મીડિયાના આધારે પ્રચાર કરતી ભાજપ ખુદ હવે સોશિયલ મીડિયામાં ‘ગાંડો વિકાસ’ વાયરલ થયા બાદ તેની પ્રતિક્રિયામાં ‘હું છું ગુજરાત, હું છું વિકાસ’નું સ્લોગન લાવી પરંતુ તેને જન સમર્થન જોઈએ તેવું મળ્યું નથી. ત્યારે હવે પાટીદારોનું ‘હવે પાડી દો’નું સ્લોગન ભાજપને ભાગતી કરે તો નવાઈ નહીં.
ભાજપ સરકાર વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં ‘વિકાસ ગાંડો થયો છે’ વાયરલ થયા બાદ હવે વિવિધ સ્લોગન ભાજપ વિરૂદ્ધ ફરતા થયા છે. ત્યારે હવે ભાજપને હરાવવા મેદાને પડેલા પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અને અન્ય આંદોલનકારીઓએ સોશિયલ મીડિયામાં અમેરલીને સિંગાપુર બનાવી દેશું આવું કહીને મત લઈ ગયા હતા ‘હવે પાડી દો’ , ફોટોશોપ કરી વિકાસ દેખાડીને મારા હાળા છેતરી ગયા ‘ હવે પાડી દો’, વિકાસ વિકાસના નામ પર આખા દેશનો વિનાશ કરી નાખ્યો. ‘હવે પાડી દો’, રૂા.ર૦૦ની દાળ અને ૮૦નું પેટ્રોલ આપી વિકાસના નામે છેતરી ગયા, ‘હવે પાડી દો’ જેવા વિવિધ સ્લોગનો સાથે ‘હવે પાડી દો’ કેમ્પેઈન શરૂ કર્યું છે. જેની ચૂંટણીમાં કેટલી અસર થશે ? તે હવે જોવું રહ્યું.